Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગાંધીનગર નજીક કોર્પોરેશન વિસ્તારમાં પાણીની લાઈન પર ગટરના ગંદા પાણી વહેતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર : ગાંધીનગર  શહેર નજીક આવેલા અને કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ રાંધેજાના રૃપાલ જવાના માર્ગ ઉપર નર્મદાની પાણીની લાઈન ઉપર જ ગટરના ગંદા પાણી વહી રહયા છે. જેના કારણે વસાહતીઓને રોગચાળાનો ભય સતાવી રહયો છે. આ મામલે તંત્રને રજુઆત કરવા છતાં સમસ્યાનો નિવેડો લાવવામાં આવતો નથી. આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ આ પાણી લઈ રહયા છે ત્યારે રોગચાળો ફેલાય તે પહેલા તંત્રએ સમારકામ કરાવવું જરૃરી છે. 

રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા હવે વિસ્તરીને રાંધેજાથી કોટેશ્વર સુધી પહોંચી છે ત્યારે આ વિસ્તારોમાં લોકોના પ્રશ્નો પણ ઉકેલવાની જવાબદારી કોર્પોરેશનની રહેલી છે. શહેર નજીક રાંધેજાથી રૃપાલ જવાના માર્ગનુ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહયું છે અને ત્યાં મોટા ગરનાળા નીચે નર્મદાની પાણીની પાઈપલાઈન જઈ રહી છે જેની ઉપર ગટરના ગંદા પાણીનું તળાવ ભરાયું છે અને પાણી પણ સતત વહી રહયું છે. આ પાણી રાંધેજા ઉપરાંત આસપાસના અન્ય ગામો પણ ઉપયોગમાં લઈ રહયા છે. પીવાના પાણીની સાથે જ ગટરનું પાણી મિશ્રિત થવાનો ભય સતત તોળાયેલો છે. જેના પગલે વસાહતીઓ દ્વારા આ મામલે તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમાં કોઈ જ સુધારો થયો નથી. ત્યારે પાણીની લાઈન ઉપર ગટરનું ગંદા પાણી મોટો રોગચાળો નોતરે તે પહેલા તાકીદે સમારકામ કરવું જરૃરી છે. ગટરનું પાણી સતત વહેવાના કારણે પાણીની આ લાઈનમાં ગટરના પાણી ભળી જશે તો કોલેરાનો રોગચાળો ફાટી પણ નીકળી શકે છે. તો ગટરના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ આ વિસ્તારમાં ઉદભવી રહયો છે.

(5:09 pm IST)