Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

તારાપુરના મહિયારી ગામમાં ગરબામાં ફોટોગ્રાફી કરવા બાબતે થયેલ ઝગડામાં સામસામે હુમલો થતા ગુનો દાખલ

તારાપુર : તારાપુરના મહિયારી ગામમાં વણકર વાસમાં ચાલતા ગરબામાં ગામના પાંચેક જેટલા યુવકો મોબાઇલ પર વીડિયોગ્રાફી કરતા હતા. આ બાબતે ઠપકો આપતાં તેઓનું ઉપરાણું લઈ ચૌહાણ સમાજના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવીને વણકર સમાજના લોકો પર હુમલો કરીને જાતિવાચક શબ્દોથી અપમાનીત કર્યા હતા. અને સાઉન્ડ સીસ્ટમને નુકસાન થયા બાબતની ફરિયાદ તારાપુર પોલીસ મથકે  નોંધાઇ છે.

મહીયારી ગામે આવેલા વણકરવાસમાં નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચૌહાણ સમાજના પાંચેક યુવકો ગરબામાં  પોતાના મોબાઈલમાં વિડિયોગ્રાફી કરતા હતા. જેથી ગરબા રમી રહેલી યુવતીઓ, મહિલાઓએ વિડિયોગ્રાફી કરવાની ના પાડી હતી. દરમ્યાન વિડિયોગ્રાફી કરી રહેલા સિધ્ધરાજસિંહ, વિજયસિંહ, સહદેવસિંહ  સહિતના શખસોએ એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલી જાતિ વાચક શબ્દો બોલી,સમાજ માં નીચા દેખાડી, અપમાનીત કરી ગાળો બોલતા બોલતા ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર બાદ સહદેવસિંહ, વિજયસિંહ,સિદ્ધરાજ સિંહ,તથા બહાદુર ભાઈનાં બે દીકરાઓ  સહિત અન્ય પંદર જેટલા માણસો સાથે પરત વણકરવાસમાં આવી ચડયા હતા. અને ગેરકાયદે મંડળી બનાવી વણકરવાસમાં રહેતાં લોકોને ગાળો બોલી ગરબા રમવા માટેની સાઉન્ડ સિસ્ટમના સ્પીકરો નીચે પાડી દઈ નુકશાન કર્યું હતું. જે અંગે તારાપુર પોલીસ મથકે હિતેશ ભાઈ રેવાભાઈ ડોડીયાની ફરિયાદ ના આધારે પાંચેય યુવકો તથા બીજા પંદરેક માણસ નાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:11 pm IST)