Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સુરતના બમરોલીમાં સોસાયટીમાં ધોળા દિવસે બંધુક્ની અણીએ કારખાનેદાર પાસેથી 65 હજારની લૂંટ માં બે કારીગર સહીત ત્રણ અન્યની ધરપકડ

સુરત: બમરોલીના હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ભર દિવસે ઓફિસમાં ઘુસી લુમ્સ કારખાનેદારને તમંચાની અણીએ બાનમાં લઇ રોકડ, મોબાઇલ ફોન અને બાઇક મળી રૂ. 65 હજારથી વધુની લૂંટ પ્રકરણમાં ટીપ આપનાર કારખાનાના બે કારીગર સહિત ત્રણને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે લૂંટના માસ્ટર માઇન્ડ હજી ભાગતો ફરે છે. પાંડેસરા-બમરોલી રોડ સ્થિત હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનેદાર વિપુલ અમૃતલાલ પટેલ (ઉ.વ. 45 રહે. 40, આર્શીવાદ કુંજ સોસાયટી, અલથાણ અને મૂળ. વરવાડા, તા. ઉંઝા, જિ. મહેસાણા) પાંચ દિવસ અગાઉ કારખાનામાં પોતાની ઓફિસમાં બેસી કારીગરોના પગારની રકમ ગણી રહ્યા હતા. ત્યારે એક લૂંટારૂ ઓફિસમાં ઘુસી જઇ દરવાજો અંદરથી બંધ કરી વિપુલના લમણે તમંચો મુકી જો પૈસા હૈ વો દે દે એમ કહી રોકડા રૂ. 51,400 ઉપરાંત મોબાઇલ ફોન અને પર્સ લૂંટી લીધા હતા અને બાઇક કી ચાવી લા એમ કહી ચાવી લઇ ઓફિસનો દરવાજો બહારથી બંધ કરી બાઇક લઇ ભાગી ગયો હતો. આ ઘટનામાં પાંડેસરા પોલીસે ત્રણ લૂંટારૂ અમીત રાજેન્દ્ર નિશાદ (ઉ.વ. 18 રહે. જય અંબેનગર, તેરેનામ રોડ, પાંડેસરા), સુરેશ રામસજીવ નિશાદ (ઉ.વ. 36 રહે. 33, ગુરૂકૃપા સોસાયટી, ગભેણી-સચિન જીઆઇડીસી રોડ), રામભજન રામઆશરે નિશાદ (ઉ.વ. 28 રહે. ક્રિષ્ણાનગર સોસાયટી, તેરેનામ રોડ, પાંડેસરા) ને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમીત અને સુરેશ કારખાનામાં જ કામ કરે છે અને તેમણે રામભજનને ટીપ આપી હતી. રામભજને તેના રૂમ પાર્ટનર અને ભાગતા ફરતા છોટુ નિશાદની મદદથી લૂંટ કર્યાની કબૂલાત કરી છે.

 

(5:14 pm IST)