Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રૉલ મોડલ બને તે માટે સંકલ્પબદ્ધ બનીએ: રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ-વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ કિસાનોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ :સમીક્ષા બેઠકમાં પ્રગતિશીલ ખેડૂતોનો એક સૂર :પ્રાકૃતિક ખેતી - કૃષિ અને કિસાનોની સમૃદ્ધિનો આધાર: ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ લાભદાયી : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની પ્રેરણારૂપ કામગીરી કરી બતાવી છે, ત્યારે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રૉલ મોડલ બને તે માટે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. તેમણે પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્ય ગણાવી પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યો હતો.
રાજ્યપાલએ ગુરુકુળ કુરુક્ષેત્રના પોતાના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યું હતું કે, ગુરુકુળની બંજર બની રહેલી એકસો એકર જમીનને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી નવસાધ્ય કરીને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવ્યું ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો પણ આ સિદ્ધિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને કારણે કૃષિના મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે છોડને પૂરતું પોષણ આપે છે અને સરવાળે ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. જ્યારે રાસાયણિક કૃષિ મિત્ર જીવોનો નાશ કરે છે અને ઉત્પાદનમાં ક્ષણિક વૃદ્ધિ કરે છે. રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણને નુકસાન થાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે, કૃષિ ખર્ચમાં વધારો થાય છે. તેથી ઊલટું પ્રાકૃતિક કૃષિમાં જળ-જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે અને કૃષિ ખર્ચ ઘટતા ખેડૂતોની આવક વધે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકર કરવા માટે પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક અર્થાત્ જૈવિક કૃષિની મર્યાદા ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિથી શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી.
રાજ્યપાલશ્રીએ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, આત્માના જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ, રાજ્યની  કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ અને પ્રગતિશીલ કિસાનોને પ્રાકૃતિક કૃષિ ખેતરે-ખેતરે પહોંચે તે માટે અથાગ પુરુષાર્થ કરવા અનુરોધ કરી પ્રાકૃતિક કૃષિને આજના સમયની માંગ ગણાવી હતી.
રાજ્યપાલએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલાં ખેડૂતોના સહયોગથી ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPOની રચના કરી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માર્કેટિંગ વ્યવસ્થાની માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટેનો સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો હતો અને વધુને વધુ ખેડૂતો આ માર્ગે ચાલે અને આર્થિક ઉન્નતિ મેળવે તે માટે સૌને સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પોઈચા નીલકંઠ ધામના કૈવલ્યસ્વરૂપ દાસજી સ્વામીએ પ્રાકૃતિક કૃષિના પોતાના સ્વાનુભવને વર્ણવી ઘણાં પ્રશ્નોના નિકારણ સ્વરૂપ આ પદ્ધતિને વર્ણવી હતી. જ્યારે તળાજાના પ્રગતિશીલ ખેડૂત નારસંગભાઈ મોરીએ પ્રાકૃતિક કૃષિથી એક એકરમાં ચાર-પાંચ હજારના કૃષિ ખર્ચ સામે ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવવાની તેમની સિદ્ધિને દોહરાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. જ્યારે ભચાઉના હિતેશભાઈ વોરાએ સામૂહિક પ્રાકૃતિક કૃષિની તેમની સફળતા ગાથા વર્ણવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં આત્માના ડાયરેક્ટર ધાર્મિક બારોટે પ્રાકૃતિક કૃષિ જન  અભિયાનને વધુ વેગવાન બનાવવા સંદર્ભે આયોજનની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત એગ્રોના મેનેજિંગ ડિરેક્ટર મહેશ સિંહ, ખેતી-નિયામક મોદી, બાગાયત નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના પ્રદેશ સંયોજક પ્રફુલભાઈ સેન્જલિયા અને પ્રગતિશીલ કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:45 pm IST)