Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદના સેટેલાઈટમાં યુવતીની સરાજાહેર સાથળમાં હાથ ફેરવી છેડતી કરનાર રોમિયોને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો

ભાઈબીજના દિવસે મહિલા સુરક્ષાના દાવાની પોલ ખુલી : સ્પામાં જૉબ કરતી નાગાલેન્ડની યુવતીની છેડતી કરતા યુવતીએ બૂમાબૂમ કરતાં લોકોને રોમિયોને ઝડપીને પોલીસને હવાલે કર્યો

અમદાવાદ: ભાઈબીજના તહેવારના દિવસે મહિલાઓની સુરક્ષાના દાવાની પોલ ખોલતી ઘટના અમદાવાદ શહેરના પોશ સેટેલાઈટ વિસ્તારના રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર નજીક રાત્રીના 9:30 વાગ્યે જાહેરમાં બની હતી. નાગાલેન્ડની 25 વર્ષીય યુવતીના સાથળ પર હાથ ફેરવી જાહેરમાં યુવકે છેડતી કરી હતી. યુવતીએ રોડ રોમિયોને પકડવા કરેલો પ્રયાસ સફળ ના થતાં બૂમો પાડી હતી. આથી સ્થાનિક યુવકોએ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
સેટેલાઇટ પોલીસે બોડકદેવમાં થાઈ સ્પા મસાજની સર્વિસ આપતા સલૂનમાં નોકરી કરતી યુવતીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં હેવનપાર્ક પાસે રહેતી 25 વર્ષીય જેકેલીનો (નામ બદલ્યું છે) મૂળ નાગાલેન્ડના મેરામાખેલ કિંગવેમાની રહેવાસી છે. જેકેલીનોની 3 વર્ષ અગાઉ કચ્છના ભુજ જિલ્લાના માનકુવાના રહેવાસી યુવક ઋષભ (નામ બદલ્યું છે) સાથે સગાઈ થઈ હોવાથી તે સેટેલાઈટમાં મંગેતર જોડે ભાડાના મકાનમાં રહેતી હતી.

6 મહિનાથી જેકેલીનો થેરાપીસ્ટ તરીકે બોડકદેવ એવલોન હોટલ પાસેના ટાઈમ સ્કેવર 2માં આવેલ “કવીની” ખાતે નોકરી કરતી હતી. જેકેલીનોએ બોડકદેવમાં અતિથિ હોટેલની ગલીમાં આવેલા થાઈ સ્પા સલૂનમાં નવી નોકરી મેળવી હતી. મંગળવારે ભાઈબીજના દીવસે નોકરીનો પ્રથમ દિવસ હતો.

જેકેલીનો તેની નોકરી પુરી કરી ચાલતી ઘર તરફ આવતી હતી. મોકા રેસ્ટોરન્ટથી રામદેવનગર ચાર રસ્તા તરફ જતી હતી. તે સમયે રાત્રીના 9.30 વાગ્યે રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર પાસે રામદેવનગર ચાર રસ્તા તરફથી આવતા યુવકે જેકેલીનોના સાથળ પર જાહેરમાં હાથ ફેરવ્યો હતો. જેકેલીનોએ છેડતી કરનાર યુવકને પકડવા પ્રયાસ કર્યો પણ તે ભાગ્યો હતો. આથી, જેકેલીનોએ બૂમો પાડતા સ્થાનિક લોકોએ છેડતીખોર યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

સેટેલાઈટ પોલીસની તપાસમાં છેડતી કરનાર શખ્સ વિઠ્ઠલ ગણેશ રાઠોડ (ઉં,25 રહે.રામદેવનગર, સેટેલાઈટ) હોવાનું ખુલ્યું હતું. સેટેલાઈટ પોલીસે જેકેલીનોની ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપી વિઠ્ઠલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(9:40 am IST)