Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

વડોદરાના વાઘોડિયા બ્રિજ નજીક અકસ્માત: રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી રૂપાણીએ મૃતકોના શોકાતુર પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી

 વડોદરા જિલ્લામાં વાઘોડિયા ક્રોસિંગ હાઈવે પર વહેલી સવારે સર્જાયે ગમખ્વાર અકસ્માતમાં 12 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 16 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને દેશના વડાપ્રધાન મોદી સહિતના રાજકીય અગ્રણીઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે,વડોદરા નજીક આહીર સમાજના લોકોના ગમખ્વાર અકસ્માતથી ખુબ જ દુઃખ થયું છે. મૃતકોના શોકાતુર પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી. ઈજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપી. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઈશ્વરને પ્રાર્થના

આ સિવાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે,વડોદરામાં અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાયે તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર શક્ય એટલી તમામ મદદ કરી રહ્યું છે.

દેશના રાષ્ટ્રપતિ તરફથી પણ ટ્વીટ કરીને અકસ્માત અંગે દુ:ખ પ્રકટ કરવામાં આવ્યું છે. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, વડોદરામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે જાણીને દુ:ખ થયું. હું ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે વડોદરાનાં વાઘોડિયા ચોકડી પાસે થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. આ અકસ્માતમાં જેમને ઇજા પહોંચી છે, એ સર્વ જલ્દીથી સાજા થઇ જાય અને મૃતકોનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તરફથી પણ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, સુરતથી પાવાગઢ દર્શન માટે જતા યાત્રિકોને વડોદરા હાઇવે પર થેયલ ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે અને પ્રશાશન ઘાયલોને તુરત સારવાર અને સહાય પહોંચાડવા કાર્યવાહી કરે

  અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા ક્રોસિંગના બ્રીજ પર વહેલીસવારે સુરતથી પાવાગઢ જઈ રહેલો ટેમ્પો કન્ટેનર સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં સુરતના 12 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 16 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(12:29 pm IST)