Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદીઓ માટે તહેવાર મજાની સાથે સજા : સિવિલમાં ઊભો કરવો પડ્યો નવો કોવિડ વોર્ડ

કોરોના નિયમોનું પાલન કોરાણે મૂકવું મોંઘુ પડ્યું : હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અવિરત દોડી :સિવિલમાં લગભગ 500 જેટલા દર્દીઓ ઓક્સિજન પર

અમદાવાદીઓ માટે દિવાળીના તહેવાર મજાની સાથે સજા પણ લઈને આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસોમાં અવિરત ધોરણે વધારો થઈ રહ્યો છે. એકલી અસારવા સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક કેસોની સંખ્યા 100ને વટાવવાની તૈયારીમાં છે. તેના પછી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે

સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અવિરત દોડી રહી છે. સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં છે. અમદાવાદમાં તહેવારો દરમિયાન શહેરમાં લોકો જાણે કોરોના જતાં રહ્યો હોય તેમ કીડિયારાની જેમ ઉભરાયા હતા, હવે તેમને ખરીદીનો આ ઉત્સાહ મોંઘો પડી રહ્યો છે. કોરોનાના કેસમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે

  તહેવારોના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કોરાણે મૂકી દેતા સોલા સિવિલમાં આઇસીયુ બેડ ભરાઈ ગયા છે. એક પણ બેડ ખાલી નથી. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા સોલા સિવિલમાં નવા માળ પર 100 બેડની વ્યવસ્થા કરવામાં આવે છે. સોલા સિવિલમાં દાખલ દર્દીઓની સંખ્યા 300નો આંક વટાવવાની તૈયારીમાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માંડ 100 બેડ જ ખાલી રહ્યા છે. હવે કોરોનાના કેસો ફરીથી વધતા હોસ્પિટલો ભરાઈ રહી છે

દિવાળીના તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરના બજારોમાં કીડિયારુ ઉભરાયું હોય તે રીતે લોકો ફરતા જોવા મળતા હતા. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્કનું પણ પાલન કરતાં ન હતા. લોકો જાણે કોરોના જતો રહ્યો તેમ માનીને ફરતા હતા, વાસ્તવમાં કોરોના ગયો ન હતો પરંતુ વધારે તીવ્રતાથી ત્રાટકી રહ્યો છે. આના પગલે આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ ખાતે દોડી આ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

એક સમયે સિવિલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પરંતુ દિવાળીના તહેવારો પછી દર્દીઓ માં 50 ટકાનો ઉછાળો નોંધાયોછે. તેમા પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષે જ સિવિલમાં લગભગ દોઢસો દર્દી દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલા 600 પ્લસ દર્દીઓમાં 500 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હવે આવનારા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

(12:50 pm IST)