Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

વડોદરામાં નવા વર્ષની ઉજવણીની અનોખી પરંપરા જોવા મળી: વૃક્ષની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી

વડોદરા:નવું વર્ષ ઉજવવાની નવી અને નોખી પરંપરાઓ દરેક પંથકમાં જોવા મળે છે અને આ વિવિધતા નવા વર્ષના ઉત્સવને નવો ઓપ આપે છે. તેમાં પણ વન્ય જીવ સંરક્ષણ વિભાગ હેઠળના રતન મહાલ અભ્યારણ્યની કંજેઠા રેન્જમાં કાર્યરત વન પાલ એટલે કે ફોરેસ્ટર મુકેશ અરવિંદ બરિયાએ, પોતાના પરીક્ષેત્ર વન અધિકારી રમેશભાઈ ચૌહાણ અને સાથી વન રક્ષકોની સાથે પવિત્ર સાગેનના વૃક્ષની પૂજા કરીને નવી અને નોખી રીતે નવું વર્ષ ઉજવ્યું હતું. આ પ્રતિબદ્ધ વન સેવકો એ જાણે કે વૃક્ષ દેવતા ને સહુ થી પહેલા સાલ મુબારક પાઠવી ને વિક્રમ સંવત ના નવા વર્ષની શરૂઆત કરીને વૃક્ષ દેવો ભવ નો શુભ સંદેશ આપ્યો હતો.

જો કે મુકેશભાઈ સાવ અલગ વિચારધારા ધરાવતા વન કર્મયોગી છે. તેઓ ખૂબ સૂચક શબ્દોમાં કહે છે કે,ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? અમારી સાથે જ ને. અમે વન વિભાગ વાળા જંગલ અને વૃક્ષોના સગાવ્હાલા કહેવાઈએ. એટલે મેં નોકરીના પહેલાં વર્ષ થી જ નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરવાનો રિવાજ પાળ્યો છે.

(5:47 pm IST)