Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સુરતના નાગપુરમાં આવેલ સ્ટાર હોસ્પિટલમા સર્વર રૂમ શોર્ટસર્કિટના કારણે લાગી આગ : કોવિડ -નોન કોવિડના ૬૦ દર્દીઓને શિફ્ટ કરાયા

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ (Surat fire in hospital) લાગી છે. હોસ્પિટલમાં આગના પગલે  8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા દર્દીઓને બચાવવાનું જારી છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં હોસ્પિટલ આવી છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. હોસ્પિટલના સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા દર્દીઓને બીજે ખસેડવામાં આવી રહ્યા છે.

સર્વર રૂમમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી. આ આગનો ધુમાડો પહેલા અને બીજા માળ સુધી પહોંચી ગયો હતો. બધા દર્દીઓને (Surat fire in hospital) બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પહેલા માળે 16 દર્દીઓ હતા, તે બધાને શિફ્ટ કરવામાં આવ્યા છે. આગના લીધે ચારેબાજુ ધુમાડો છવાયો હતો. આ આગ પહેલા માળે લાગી હતી. તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. હાલમાં કોઈ દર્દી અંદર નથી.60 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. આગ નોન-કોવિડ વોર્ડમાં લાગી હતી. 16 દર્દીઓ આઇસીયુના હતા, તે આગના સ્થળની નજીક હતા, તેમને બચાવી લેવાયા છે, એમ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓની ટીમને ધક્કે ચઢાવાઈ છે. હોસ્પિટલના(Surat fire in hospital) તંત્રને આગ અંગે સવાલો પૂછવામાં આવતા તેણે રીતસરની દાદાગીરી કરતાં મીડિયા કર્મચારીઓને ધક્કે ચઢાવ્યા હતા. આગ અંગે હોસ્પિટલની મેનેજમેન્ટે મૌન સેવ્યું છે. ફાયર બ્રિગેડે આગ પર અંકુશ મેળવી લીધો છે.

મેયરે જણાવ્યું હતું કે મીડિયા કર્મચારીઓ સાથે થયેલા વ્યવહારની તલાશ કરાશે. જો હોસ્પિટલમાં ક્યાંય અનિયમિતતા જણાશે તો પગલાં લેવાશે. હોસ્પિટલના મેનેજમેન્ટે કશું કહેવા ઇન્કાર કર્યો છે પણ દાવો કર્યો છે કે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. એડિશનલ પોલીસ કમિશ્નર એચ આર મુલિયાણાએ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસ જાણવા જોગ ફરિયાદ દાખલ કરશે.

(7:03 pm IST)