Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદ:ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવસિંહને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

સેટેલાઈટના ઇસ્કોન બ્રિજનો વિડિઓ વાયરલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી લીધા

અમદાવાદના સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ પર ચાલુ કારે પિસ્ટલ કાઢી લોકોને ડરાવનાર શખ્સનો વીડિયો થતા સેટેલાઇટ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે રિવોલ્વર લઈ ફરતા શખ્સ સાહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ)ને અને તેના સાથીદાર હરદેવસિંહ વાળાને ઝડપી લીધા હતાઇસ્કોનબ્રિજ પર વરના કારમાં સવાર શખ્સ હાથમાં પિસ્ટલ રાખી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યાનો વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયોને પગલે પોલીસે તપાસ હાથધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.પી.રોજીયા, પીએસઆઈ આઈ.એસ.રબારી અને એસ.બી.દેસાઈએ સ્ટાફના માણસો સાથે તપાસમાં હતા.દરમિયાન બાતમી મળી કે, વીડીયોમાં દેખાતો શખ્સ સાહીલ ભરવાડ તેની પાસે ગેરકાયદે હથિયાર રાખી પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકોને ડરાવી રહ્યો છે. હાલમાં તે એસજી હાઇવે થલતેજ ચાર રસ્તા પાસે હાજર છે

 બાતમીના પગલે પોલીસે 21 વર્ષીય સાહીલ ઉર્ફ સોહીલ જીતેન્દ્ર મેવાડા (ભરવાડ) રહે, ભરવાડ વાસ, વેજલપુર રોડ,મકરબ ગામ, સરખેજની ધરપકડ કરી હતી. સાહીલ પાસેથી પોલીસે રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.5 હજારની પિસ્ટલ કબ્જે લીધી હતી.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, પોતે કર્ણાવતી કલબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે જ્યારે તેનો મિત્ર હરદેવસિંહ દેવીસિંહ વાળા ડાબી’સ કોફી બાર ચલાવે છે. ત્રણ મહિના અગાઉ કોફી શોપ પાર ભેગા થયા ત્યારે ત્યાં આવેલા ગ્રાહક પાસેથી રૂ.5 હજારમાં પિસ્ટલ ખરીદી હતી.

પિસ્ટલ વાળો વીડિયો દોઢ માસ પહેલા બનાવી રાજાધિરાજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આઈડી પર પોસ્ટ કર્યો હતો. ક્રાઇમબ્રાન્ચે હરદેવસિંહ વાળાની પણ ધરપકડ કરી હતી.

પોલીસે સાહિલને ઝડપી લઈ પિસ્તોલ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, વીડિયોમાં દર્શાવેલી પિસ્તોલ રેપ્લિકા છે. વાસ્તવમાં તે લાઈટર છે અને તેને આ રેપ્લિકા મૂળ ધંધુકા અને હાલ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હરદેવ વાળાએ આપી હતી. ક્રાઈમ બ્રાંચે સાહિલ ભરવાડ અને હરદેવ વાળા સામે પિસ્તોલની રેપ્લિકા રાખવા તેમજ પ્રદર્શિત કરવા બદલ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

મકરબા અને આસપાસના વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન ધરાવતા તેમજ કોંગ્રેસના આગેવાન રામભાઈ ભરવાડનો ભત્રીજો છે સાહિલ. 21 વર્ષીય સાહિલ પિસ્તોલની રેપ્લિકા ઉપરાંત પોલીસ લખેલી પ્લેટવાળી કાર લઈને શહેરભરમાં રોલો મારતો ફરે છે. વીડિયો વાઈરલ થતાંની સાથે જ મંગળવારની મોડી રાતે સાહિલ ભરવાડ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો હોવાની ચર્ચા છે. જ્યારે સેટેલાઈટ પોલીસે કબ્જે લીધેલી કાર ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે.

(8:15 pm IST)