Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદમાં બીજા રાજ્યોના 500 કરતા વધુ કોરોના દર્દીઓ સારવાર માટે આવ્યા

હાલમાં 2848 બેડ ખાલી :શહેરમાં 900 મોબાઈલ મેડિકલ વાન સહિતની સુવિધા : સારબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

 

અમદાવાદ :ગુજરાતમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું છે અમદાવાદમાં ઘણી એવી હોસ્પિટલો ફુલ થવાના આરે છે.કોરોનાની સારવાર તેમજ સુવિધાને લઈને સારબરમતી રિવરફ્રન્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં શહેરની કોવિડ હોસ્પિટલોના બેડ અને તેમની સુવિધાઓને લઈ ઘણી ચર્ચાઓ પણ સામે આવી રહી છે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સહિત અલગ-અલગ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો હાજર રહ્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, તાજેતરમાં તહેવારોના દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખુબજ વધુ છે. બજારોમાં લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળ્યા છે. તેમજ અન્ય કોઇ ગામ જનાર અને અન્ય કોઇ જગ્યાએથી અમદાવાદ આવનાર સગા-સંબંધીયોના કારણે સંક્રમણનું પ્રમાણ વધ્યું છે

હાલમાં શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તેમજ 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 બેડ ઉપલબ્ધ છે, તે પૈકી હાલમાં 2848 બેડ ખાલી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 510 બેડ ખાલી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યો જેવા કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાંથી 500 કરતા વધુ કોરોના દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

એસવીપી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અસારવા, સોલા સિવિલ, સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા અન્ય સરકારી હોસ્પિટલો તેમજ 76 જેટલી ખાનગી હોસ્પિટલોમાં યોગ્ય બેડ ઉપલબ્ધ છે. સાથે કોરોનાની સારવાર માટે 900 મોબાઈલ મેડીકલ વાન હાલમાં કાર્યરત છે. જે પૈકી 550 કોરોના સંજીવની ઘર સેવા, 150 ધનવંતરી મોબાઈલ મેડિકલ વાન, 100 જેટલી 104 નંબરની વાન શહેરમાં કાર્યરત છે.

અમદાવાદમાં તહેવારોના પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલા સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે.

એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં તો બેડ ખૂટી પડ્યા છે. અમદાવાદ શહેરની 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ છે. અમદાવાદની હોસ્પિટલોમાં કુલ 2,256 બેડમાંથી 2,085 બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ હવે માંડ 171 બેડ ખાલી છે.

હોમ આઇસોલેશનમાં હોય તેવા 786 દર્દી છે અને તેમા હવે ખાલી જગ્યા ફક્ત 89 છે. એચડીયુમાં 794ના દર્દી છે અને તેમા 94 બેડ ખાલી છે. વેન્ટિલેગર વગરના આઇસીયુ પર 346 દર્દીઓ સારવાર પર છે અને તેમા પણ ખાલી બેડ 20 છે. વેન્ટિલેટર વિથ આઇસીયુ પર 156 દર્દીઓ સારવાર પર છે અને ખાલી બેડ ફક્ત 16 છે.

(11:58 pm IST)