Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નાયબ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીની ઉપસ્થિતિમાં નવ નિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે

૫,૬૩૫ ચો.મી.વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ઉપરાંત સબ- ટ્રેઝરી કચેરી,સબ-રજિસ્ટ્રાર કચેરી સહિતની ઉપલબ્ધ કરાયેલી અનેકવિધ સુવિધાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક ભાઇ પટેલના હસ્તે તા. ૧૯ મી નવેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મથકે અંદાજે રૂા.૧૦૭૩.૭૪ લાખના ખર્ચે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકાના અમુક ગામોને આવરી લઇને નવ નિર્મિત ગરૂડેશ્વર તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ  સરકાર દ્વારા તાલુકા કક્ષાએ જનતાને તમામ પ્રકારની સરકારી સેવાઓ મળી રહે તે માટે સને ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ની ગ્રાંન્ટમાંથી આ તાલુકા સેવા સદનનું કામ પૂર્ણ કરીને ગરૂડેશ્વર તાલુકાની જનતાની સેવા માટે અંદાજે ૫,૬૩૫ ચો.મી. વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી તાલુકા સેવા સદનનું મકાન સજ્જ કરાયું છે. આ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ઉપરાંત તાલુકા સબ- ટ્રેઝરી કચેરી,સબ-રજિસ્ટ્રાર કચેરી,કોન્ફરન્સ હોલ, જીસ્વાન રૂમ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરાઇ છે

 આમ,આ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીને લગતી વિવિધ કામગીરી-સેવાઓ ઉપરાંત જમીનને લગતા કેસોની એન્ટ્રીની સુવિધા એક જ સ્થળે સરળતાથી મળી રહેશે. તેની સાથોસાથ સરકારી કચેરીઓની પેટા તિજોરી કચેરીને લગતી કામગીરી પણ અહીંથી થશે. જેનો  લાભ જિલ્લા-તાલુકાના પેન્શરોને અહીંથી મળશે.

(12:49 am IST)