Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સોલા ઉમિયા કેમ્પસનું શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે ભુમિ પુજન

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રુપાલા અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે : કુલ ૧૫૦૦ કરોડનો પ્રોજેકટઃ ભવ્ય મંદિર નિર્માણ, ૧૩ માળના બિલ્ડીંગો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ-વર્કીંગ વુમન માટે સુવિધાયુકત હોસ્ટેલ,બે બેન્કવેટ હોલ,પાર્ટી પ્લોટ,મેડીકલ સેન્ટર સહિતનું આયોજન

ગાંધીનગર,તા.૧૮: અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા અત્યંત મહત્વપુર્ણ પ્રોજેકટ અંતર્ગત ભુમિપુજન અને શિલાન્યાસ મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવાનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યું છે.ગુજરાતભરના કડવા પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે ૨૦ નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભુમિ પુજન કરવામાં આવશે.આ સમયે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.ઉમિયા કેમ્પસ ખાતે કડવા અને લેઉવા પાટીદારોની ૪૩ જેટલી વિવિધ સંસ્થાના અગ્રણી પાટીદારો દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાશે.જે સમયે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રુપાલા ઉપસ્થિત રહેશે.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે જે પ્રોજેકટ તૈયાર કરાયો છે,જેમાં ૧૩ માળના ભવ્ય બિલ્ડીંગમાં ૧૨૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી અત્યંત સુવિધાયુકત હોસ્ટેલ,વર્કીંગ વુમન માટેની હોસ્ટેલ,બે બેન્કવેટ હોલ,પાર્ટી પ્લોટ,મેડીકલ સેન્ટર સહિતના પ્રોજેકટ તૈયાર કરાયા છે.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે અંદાજે ૫૫ કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.મંદિરની ઉંચાઈ ૧૩૨ ફુટ રહેશે.મંદિરના પાયામાં મા ઉમિયા શરણમ મમ મંત્ર લિખિત મંત્રબુક મુકવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે મંદિરના નિર્માણમાં એકપણ લોખંડની ખીલીનો પણ ઉપયોગ કરાશે નહીં.ખાસ પ્રકારના પથ્થરમાંથી મંદિર બનશે.પ્રત્યેક પાટીદાર પ્રોજેકટનો સહભાગી બને તે માટે રૂપિયા ૫૦૦ની એક ઈંટ દાન કરી શકશે.

ઉમિયા કેમ્પસ ખાતે આગામી તા.૧૧ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.જે પ્રસંગે લાખો પાટીદારો ઉપરાંત તમામ જ્ઞાતીના શ્રધ્ધાળુઓ પધારશે.યજ્ઞમાં પણ તમામ જ્ઞાતીના શ્રધ્ધાળુઓને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સહિતના રાજકીય મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવશે.

કડવા પાટીદાર સમાજના યુવાનોને ધર્મભાવના સાથે જોડી રાખવા અને તેમનામાં સામાજીક સંગઠીતતા વધારે મજબુત બને તેવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.અમદાવાદ અને ગાંધીનગરના મહિલાઓ તથા યુવાનોને કાર્યક્રમને સફળ બનાવવા તથા તેમને અનુભવ મળે તે માટે વિશેષ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.અગાઉ યુવાનો માટે યુવા સંમેલન તથા મહિલા સંમેલનનું પણ આયોજન કરાયું હતું.કડવા પાટીદારોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે આયોજીત કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ મણિદાદા (મમ્મી),દિલિપ નેતાજી, રમેશભાઈ પટેલ (દુધવાળા), પ્રોજેકટ ચેરમેન બાબુભાઈ જમનાભાઈ પટેલ સહિતના અગ્રણીઓ માર્ગદર્શન આપી રહ્યા છે.

(2:44 pm IST)