Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

યુવક થૂંકવા જતા બસમાંથી નીચે પડયો : મોત

ચાલુ વાહનોમાંથી થુંકનાર માટે ચેતવણીરૂપ કિસ્સો

સુરત, તા.૧૮ : ચાલુ વાહનોમાંથી થુંકનાર માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના અભેટા ગામ નજીક જાનૈયાઓ ભરેલી લકઝરી બસમાંથી યુવાન શંકાસ્પદ રીતે નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાની ઘટના સામે આવી છે. સેગવા ગામથી લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર જઈ રહી હતી દરમિયાન યુવક થૂંકવા જતા નીચે પડી ગયો હતો. જે બાદ યુવકને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો.

ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.આપને જણાવી દઈએ કે,ઓલપાડના સેગવા ગામથી લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ લઈ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર આવી રહ્યાં હતાં. અભેટા ગામ નજીક ભુપેન્દ્ર કરશન સુરતી ચાલુ બસે વિમલ ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ૧૦૮ની મદદથી ઇજાગ્રસ્ત ભુપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

મૃતકના નાનાભાઈ રણજિત સુરતીએ જણાવ્યું હતું કે, ભાઈ ભુપેન્દ્ર ડાયવોર્સી હતો. એક ૧૨ વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મંગળ વારના રોજ મિત્ર સાથે ગયો હતો. ત્યારબાદ મળસ્કે અકસ્માતની જાણ થઈ હતી. ભુપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

(2:44 pm IST)