Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અંબાજી માતાજી મંદિર નજીક તુફાન જીપના ચાલકે કાબુ ગુમાવતા જીપ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકીઃ 2 ગંભીરઃ 6ને નાની-મોટી ઇજા

હાલોલના ભક્‍તોને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયા

અંબાજી: અંબાજી જતા ભક્તોની ગાડીને ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક શીતળા માતાના મંદિર પાસેની ઘાટીમાં વહેલી સવારે એક જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 6 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી બે શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

શક્તિપીઠ અંબાજી બારેમાસ ભક્તોથી ભરપૂર રહે છે. આવામાં અંબાજી જતા માર્ગ પર અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. તેમાં પણ ઘાટી વિસ્તાર હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધી જતુ હોય છે. ત્યારે બુધવાર રાત્રે એક તૂફાન જીપના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. શીતળા માતાની ઘાટીમાંથી પસાર થતા સમયે જીપને અકસ્માત થયો હતો. જીપમાં સવાર ભક્તો સુંધા માતા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. GJ 17 AK 0411 નંબરની તૂફા જીપ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપ ઊંધી વળી ગઈ હતી. જીપમાં સવાર તમામ 6 લોકો ઘાયલ થયા છે, જેમાં  2 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંબાજી અને દાંતાની બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને અંબાજીની જનરલ હોસ્પિટલમા સારવાર આપવામાં આવી છે. આ ભક્તો હાલોલના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

(4:38 pm IST)