Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અમદાવાદના સાબરમતી વિસ્‍તારમાં દેવેન્‍દ્રભાઇ રાવતની છરીના ઘા ઝીંકીને હત્‍યાઃ સમલૈંગિક સંબંધ કારણભૂત હોવાની આશંકાઃ ચેઇન, મોબાઇલ અને વાહન ગુમ

કોઇ યુવકનો ફોન આવતા જુના મકાને ગયા બાદ મૃતદેહ મળ્‍યો

અમદાવાદ: ઘાટલોડિયા બાદ હવે સાબરમતી માં સીનીયર સિટીઝનની હત્યા થઇ હતી. હત્યા થતા ફરી એક વાર પોલીસની સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. એક વૃદ્ધ કોઈ યુવકને મદદ કરવા જુના ઘરે આવ્યા અને હત્યા થઈ હતી. સોનાની ચેઇન, મોબાઈલ અને વાહન ન મળતા લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઇ છે. ત્યારે પોલીસ વધુ એક દિશામાં તાપસ કરી રહી છે. ઘટના સ્થળ પરથી સેક્સને લગતી વસ્તુઓ મળી આવી છે. જેથી સમલૈંગિક સબંધમાં પણ હત્યા થઇ હોવાનું ચર્ચાય રહ્યું છે.

મૂળ ત્રાગડ ખાતે રહેતા દેવેન્દ્ર ભાઈ રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ સહારા કંપનીમાંથી નોકરી કરી હાલ નિવૃત જીવન ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતાં તેમની પત્નીએ તપાસ કરી. તપાસ કરી તો જુના ઘરમાંથી લાશ મળી આવી. પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું. સાથે જ ઘટના સ્થળ પરથી સેક્સને લગતી અમુક સામગ્રી પણ મળી આવી છે. જેથી સમલૈંગિક સંબંધની આશંકા પણ સેવાઈ રહી છે.

દેવેન્દ્ર ભાઈ રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો.  જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી અચેર બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નીકળ્યા અને પહેલા તેના જુના મકાને ગયા. જ્યાં તેમની હત્યા થઈ. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેની પર પોલીસની પ્રબળ શંકા છે. ત્યારે હકીકત શુ છે તે જાણવા પોલીસ કામે લાગી છે.

એકતરફ પોલીસના સુરક્ષાના દાવા, બીજી તરફ સિનીયર  સીટીઝન માટે શી ટીમ રેકોર્ડ રાખી તેઓની કાળજી રાખી રહી હોવાની વાતો. પોલીસની આ વાતો ક્યારેક કાગળ પર રહી હોવાનું લાગી રહ્યું છે. પોલીસ માત્ર પોતાની વાહવાહી બતાવવા જ આ પ્રોજેક્ટ ઉભા કરી કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વૃદ્ધની હત્યા કોણે કરી અને કયા કારણોસર આ હત્યા કરાઈ તે મામલે શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

(4:39 pm IST)