Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયાની સીમમાં ટોળાએ ગેરકાયદે પ્રવેશ કરી ખેડૂતે કરેલ વાવેતર ઉખેડી નાખતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ખેડબ્રહ્મા:તાલુકાના ગલોડીયાની સીમમાં ખાતા નંબર-૬પ૩૪પ૭ સર્વે નંબર વાળી જમીનમાં ટોળાએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ખેડૂતે વાવેતર કરેલા ઘઉંના વાવેતરને ઉખેડી નાખતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ટોળા દ્વારા રાત્રિના સમયે ખેતરને ખેદાન મેદાન કરવામાં આવતાં ખેડૂતને રુ પ૦ હજારનું નુક્સાન થયું છે. આ બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાલુકાના ગલોડીયા ગામના ખેડૂત જીગર વિનોદભાઈ પટેલની ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે જેમાં શિયાળુ સીઝનમાં તેમને ઘઉંનું વાવેતર કર્યું હતું દરમિયાન તા.૧૦ની રાત્રે કચરાભાઈ જેઠાભાઈ ચેનવા અને અન્ય ઈસમોના ટોળાએ ખેડૂતની જમીન પચાવી પાડવાના ઈરાદે ખેતરમાં પ્રવેશી વાવેતર ઉખેડી નાખ્યું હતું. ખેડૂતની માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ટોળાએ આ જમીનમાં પ્રવેશવા બાબતે કોર્ટે ફરમાવેલા હુકમનો ભંગ કરી ખેડૂતને એટ્રોસીટીના ખોટા કેસમાં ભરાવી દેવાનીજાનથી મારવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ થઈ છે.

(4:50 pm IST)