Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગાંધીનગરમાં નિવૃત આઇએએસને નવું ડેબિટ કાર્ડ આપવાના બહાને ઠગ મહિલાએ ફોન કરી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

ગાંધીનગર: ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન છેતરીપીંડની ઘટના વધી રહી છે ત્યારે આ વખતે શહેરના સેક્ટર-૮માં રહેતાં નિવૃત્ત આઇએએસ અધિકારી પણ ભોગ બન્યાં છે. નવું ડેબીટ કાર્ડ આપવાના બહાને ઠગ મહિલાએ ફોન કરીને ઓટીપી મેળવી લઇ ખાતામાંથી બે લાખ રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતાવૃધ્ધને છેતરાયાનો અહેસાસ થતાં આ મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાલના ડીઝીટલ યુગમાં ફોન મારફતે નાણાંકીય વ્યવહારો થઇ રહ્યાં છે ત્યારે તેના કારણે છેતરપીંડીની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને વૃધ્ધો અને મહિલાઓને બેન્કના નામે ફોન કરીને ગઠીયાઓ ઓટીપી મેળવી લઇને એકાઉન્ટમાંથી રૃપિયા ટ્રાન્સફર કરી લેતાં હોય છે ત્યારે સેક્ટર-૮/સીમાં પ્લોટ નં.૧૮૦માં રહેતાં નિવૃત્ત આઇએએસ અધિકારી ટી.સી.એ રંગાદુરાઇ પણ આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બન્યાં છે. તેઓ ઘરે હતાં ત્યારે તેમના મોબાઇલ ઉપર એક યુવતિનો ફોન આવ્યો હતો અને પોતે એચડીએફસી બેન્કમાંથી બોલતી હોવાનું કહી નવું ડેબીટ કાર્ડ આપવાની વાત કરી હતી અને ત્યારબાદ મોબાઇલમાં આવેલો ઓટીપી માંગ્યો હતો જેથી આ વૃધ્ધે ઓટીપી આ મહિલાને આપ્યો હતો. ત્યારબાદ અન્ય એક ઓટીપી આપતાં તેમના ખાતામાંથી બે લાખ રૃપિયા ડેબીટ થવાનો મેસેજ આવ્યો હતો. જેથી આ સંદર્ભે પુછતાં મહિલાએ તે કેસ વિડ્રોલ લીમીટ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વૃધ્ધને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે એટીએમમાં જઇને તપાસ કરતાં એકાઉન્ટમાંથી બે લાખ રૃપિયા ડેબીટ થયા હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેમણે એકાઉન્ટ લોક કરાવી દીધું હતું અને સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:51 pm IST)