Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં બહેનને મુકવા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.85 લાખની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

વડોદરા : આજવારોડ પરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પુત્રીને મૂકવા માટે નડિયાદ ગયેલા પરિવારના ઘરમાં ત્રાટકેલા ચોરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૧.૮૫ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે બહાર કોલોની પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સહિદએહમદ અલ્લાહબક્ષ શેખ નિવૃત્ત જીવન ગુજારે છે. દિવાળીના વેકેશનમાં તેમની નાની બહેન રુક્શાનાબાનું વડોદરા આવી હતી અને થોડા દિવસો રહ્યા બાદ તા.૧૪ની સવારે નાની બહેન તેમજ તેની પુત્રી માહેનુરને મૂકવા માટે ઘર બંધ કરી સહિદએહમદ નડિયાદ ગયા બાદ નાની બહેનના ઘેર જ રોકાઇ ગયા હતાં.

ગઇકાલે સાંજે તેઓ ઘેર આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો જણાયો હતો અને મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો જેથી પાછળના દરવાજે સહિદએહમદ ગયા ત્યારે તે દરવાજો ખુલ્લો હતો. તેઓ ઘરમાં  પ્રવેશ્યા ત્યારે નીચે અને ઉપરના માળના બેડરૃમની તિજોરીનો સામાન વેરવિખેર જણાયો હતો. તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ નિયાજના રોકડ રૃા.૧.૨૦ લાખ મળી કુલ રૃા.૧.૮૫ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:00 pm IST)