Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શિક્ષકનું કાર્ય સૌથી કઠિન છતાં અનિવાર્ય કારણ કે શિક્ષક જ સમાજ નિર્માણ-ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ધો.૯થી ધો.૧૨ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય સામેલ કરવાની મહત્વની જાહેરાત : શિક્ષકે સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જોઈએ - શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

સમાજ ઘડતર અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થાના સુકાની બની યોગદાન આપે - રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર : ગાંધીનગર ખાતે IITEનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો  રાજ્યપાલશ્રીના હસ્તે ૭૨૫ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

રાજકોટ તા.૧૮ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભાવિ જીવનની કામના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે શિક્ષકની સમાજ પ્રત્યે એક મોટી જવાબદારી છે કારણ શિક્ષક માનવ નિર્માણનું કેન્દ્ર છે.

રાજ્યપાલશ્રીએ શિક્ષકના કર્મને સૌથી વધુ કઠિન અને સૌથી વધુ જરૂરી કાર્ય ગણાવ્યું હતું તેમને જણાવ્યું હતું કે શિક્ષક જ સમાજ નિર્માણ અને ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે. ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રેષ્ઠ-કૌશલ્યવાન, જ્ઞાનસંપન્ન શિક્ષકોના નિર્માણ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન આઈઆઈટીઈની સ્થાપના કરી સપનું સેવ્યું હતું. આ સપનાને સાકાર કરી શ્રેષ્ઠ શિક્ષક નિર્માણનું કાર્ય આ સંસ્થા દ્વારા થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં ત્રણ ગુરુ છે. માતા-પિતા અને આચાર્ય. આ ત્રણેય ગુરુ બાળકનો શારીરિક-માનસિક સ્તરે વિકાસ સાધી શ્રેષ્ઠ, જ્ઞાન સંપન્ન, સંસ્કારવાન અને ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરે છે. બાળકની ગ્રહણશક્તિ સૌથી તેજ હોય છે તેમ જણાવી રાજ્યપાલશ્રી એ ઉમેર્યું હતું કે આચાર-વિચારથી બાળક શિક્ષકનું અનુસરણ કરે છે ત્યારે, શિક્ષકોની જવાબદારી અત્યધિક વધી જાય છે. શિક્ષકના જીવન-વ્યવહાર જ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ઉપદેશ છે તેમ જણાવી રાજ્યપાલશ્રી એ શિક્ષણના વ્યવસાયને આત્મસાત કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. 

ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું શ્રેષ્ઠ સ્થાન હતું એનું કારણ એ હતું કે, શિક્ષણ સંસ્થા જ માનવ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણના કેન્દ્રમાં હતી. રાજ્યપાલશ્રીએ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલી કર્તવ્યધર્મને અનુસરવા અને સતત સ્વાધ્યાયરત રહેવા અનુરોધ કર્યો હતો અને તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ધો.૯થી ધો.૧૨ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય સામેલ કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમમાં અલગથી પ્રોફેશનલ અભ્યાસક્રમ પસંદ કરતાં હોય છે ત્યારે, સ્વરોજગાર મેળવી શકાય તેવા સાત અભ્યાસક્રમો સામેલ કરવાનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કર્યું છે. જે પૈકી કૃષિ અંતર્ગત પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોનો ખર્ચ ઘટાડી આવક બમણી કરવાની દિશામાં આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી સાબિત થશે. આવનારા સમયમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ કોલેજો-યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિવિધ સેમિનાર યોજાશે. 

તેમણે ઉમેર્યું હતુ કે, ‘શોધ’ યોજના અંતર્ગત વિવિધ વિષયોના સંશોધકોને નવા-નવા સંશોધન માટે સહાય આપવામાં આવે છે. હવેથી પ્રાકૃતિક ખેતી શાખાના સંશોધકોને પણ ‘શોધ’ યોજના અંતર્ગત સહાય મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.    

 

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ IITEમાંથી ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક હંમેશ માટે વિદ્યાર્થી જ છે તેણે સતત ભણતા રહેવું જોઇએ અને સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જોઈએ. પદવીધારકો જ્યારે સમાજમાં જઇ રહ્યા છે ત્યારે તેમની વ્યવસાયી સજ્જતા અને સમાજ માટે કટિબદ્ધતા હોવી જરૂરી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનેક નવી પહેલો કરી છે અને કરી રહયા છે. IITEમાંથી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ ગુજરાતનું નામ વધુ ઉચ્ચ શિખરે પહોંચાડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતાં કહ્યું કે આ એક ઐતિહાસિક અવસર છે. મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વના પરિણામે વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલ આ સંસ્થાન આજે વટવૃક્ષ બની ગયું છે. આ યુનિવર્સિટી સામાન્ય યુનિવર્સિટી નહીં પણ અભ્યાસક્રમ સાથે ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ પૂરો પાડીને વ્યક્તિત્વ ઘડતર માટે પણ ઉમદા સેવાઓ આપી રહી છે તેમ આપ એક ઉત્તમ ઉદાહરણ છો.

તેમણે ઉમેર્યું કે આઈ.આઈ.ટી.ઈ. એક શિક્ષણ-પ્રશિક્ષણ માટે નવા સિદ્ધાંતો અને નવા નવા આયામો થકી રાષ્ટ્રીય સ્તરે અનેરી નામના મેળવી છે. જે આપણા સૌ માટે ગૌરવ છે. સમાજ ઘડતર અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આપ સૌ શિક્ષણ વ્યવસ્થાના સુકાની બની અનેરું યોગદાન આપશો એવો મને દ્રઢ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આઈઆઈટીઈના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલે ચોથા પદવીદાન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક વિપરીત સંજોગો આવ્યા છતાં શિક્ષણ સંસ્થાન દ્વારા કાર્ય અવિરતપણે ચાલ્યું. કોરોનાના કપરાકાળમાં સૌથી વધુ અસર શિક્ષણ-પ્રશિક્ષણને થઈ તેમ છતાંય ઓનલાઇન શિક્ષણ દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવી તે માટે સૌ શિક્ષકો અભિનંદનને પાત્ર છે. તેમણે પદવી ધારણ કરતાં યુવાઓ-વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આપ સૌ ભારત અને ગુજરાતની આવતીકાલ છો ત્યારે, સમાજજીવન અને રાષ્ટ્રમાં ઉમદા સેવાઓ આપી પોતાની કારકિર્દી ઘડશો એવો મને દ્રઢ વિશ્વાસ છે.

આ સમારોહમાં રાજ્યપાલશ્રીના હસ્તે ૭૨૫ જેટલા વિદ્યાર્થીઓને બી.એ., બીએડ., બી.એસસી.,બીએડ., એમ.એ., એમ.એસસી., એમ.એસ.સી., એમ.એડ., એમ.એ. અને એમ.એસસી. ઇન એજ્યુકેશનની પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત આઈઆઈટીઈમાંથી શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધન અભ્યાસ પૂર્ણ કરનાર સૌપ્રથમ 3 રિસર્ચ સ્કૉલરને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ વિજેતાને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE) ગાંધીનગરના ડીન ડૉ. કલ્પેશ પાઠક, IITEના રજિસ્ટ્રાર ડૉ.હિમાંશુભાઈ પટેલ, IITEના એકેડેમિક અને એકયુઝકેટિવ કાઉન્સિલના સભ્યો, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, શિક્ષણવિદો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:31 pm IST)