Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરતમાં નશાખોરોએ જાહેરમાં ધમાલ મચાવી : પોલીસકર્મી પાછળ પથ્થર લઈ મારવા દોડ્યો

108 એમ્બ્યુલન્સ સામે રોડ પર સૂઈ જઈ જાહેરમાં તમાશો કરનારને આખરે પકડીને પોલીસ પીસીઆર વાનને સોંપાતાં મામલો થાળે પડ્યો

સુરતમાં જાહેર માર્ગ પર દારુના નશામાં ચકચૂર યુવાને ધમાલ મચાવી હતી. દારુના નશામાં તેના ભાઈને મારી નાખવા માટે તેની પાછળ પથ્થર લઈને દોડ્યો હતો અને ત્યારબાદ તેને લાકડીના ફટકા મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. સારવાર માટે લઈ જવાતા ભાઈની 108 એમ્બ્યુલન્સ સામે રોડ પર સૂઈ જઈ જાહેરમાં તમાશો કરનારને આખરે પકડીને પોલીસ પીસીઆર વાનને સોંપાતાં મામલો થાળે પડ્યો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ફૂટપાથ પર જ રહેતા એક પરિવારનું પાકીટ ચોરીને લઈ બન્ને ભાઈઓ સાથે જાહેરમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ નશાખોર ભાઈ હાથમાં દંડો લઈ આરોપ લગાડનાર પરિવાર પર તૂટી પડ્યો હતો. જોકે સામા પક્ષે એ જ દંડા વડે નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર પાડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સિવિલ ચાર રસ્તા પર તહેનાત પોલીસકર્મચારીઓ અને ટીઆરબીના જવાન બન્ને પક્ષકારોને છોડાવવા દોડી આવ્યા હતા.

યુવકે સ્થળ પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સાથે પણ બબાલ કરી હતી અને પથ્થર લઈને મારવા દોડ્યો હતો. જેથી પોલીસકર્મચારીએ આ અંગે કંટ્રોલમાં ફોન કરી મદદ માગી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતાં નશામાં ચૂર ભાઈ જમીન પર પડેલા ઇજાગ્રસ્ત ભાઈને મારી નાખવા બૂમો પાડી દંડા અને પથ્થર લઈ તેની પર હુમલો કરવા વારંવાર આવી રહ્યો હતો.

લગભગ 30 મિનિટ સુધી પોલીસ જવાન અને ટીઆરબી જવાનોએ જમીન પર બેભાન પડેલા ભાઈને નશાખોર ભાઈથી બચાવ્યો હતો. ત્યાર બાદ 108 આવતાં સારવાર માટે લઈ જવાતાં ભાઈને સ્ટ્રેચર પરથી ફેંકી ઓક્સિજન બોટલ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું નજરે જોઈ રહેલી લોકોની ભીડનો ગુસ્સો બહાર આવતાં લોકોએ નશાખોરની જાહેરમાં ધોલાઈ કરવા મજબૂર બન્યા હતા.

(9:03 pm IST)