Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આવશે : કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

લોકો બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી પીડિત છે : કોંગ્રેસ : ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે : કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

વડોદરા,  તા.૧૮ : વડોદરા જિલ્લાની ટૂંક સમયમાં આવી રહેલી ૨૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તેમ જ ત્યારબાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે રાજકીય પક્ષો દ્વારા કાર્યક્રમો જાહેર કરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જ્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહને ચૂંટણી પહેલાં હારનો ડર લાગ્યો છે.

તેમણે કોંગ્રેસ નેતાઓને જૂથબંધી દૂર કરી એકજૂટ થવા હાંકલ કરી છે. ભરતસિંહે જણાવ્યું હતું કે સપના જોવા સારી વાત, સપના જોઈશું તો સાકાર થશે. વડોદરામાં એક પણ બેઠક ના આવે અને ગાંધીનગરમાં સરકારની વાતો શક્ય નથી.

વડોદરામાં જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકો બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીડિત છે. ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આવશે, રાજ્યમાં ઉજાશ લાવશે. ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વડોદરા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને સવાલ પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની એક પણ બેઠક વિધાનસભામાં ન આવે, અને ગાંધીનગરમાં તિરંગો લહેરાવવાની વાત કરીએ તે શક્ય ખરું? સપનું જોવું તે સારી વાત, સપના જોઈશું તો સાકાર થશે. બીજી બાજુ ભરતસિંહ સોલંકીએ વડોદરા કોંગ્રેસ નેતાઓને જૂથબંધી દૂર કરી એકજૂટ થવા હાકલ પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી જીતવી હોય તો આત્મમંથન કરવાની જરૂર છે. આપણા ૨૫ વર્ષ ગયા, જો આત્મમંથન નહિ કરીએ તો બીજા ૩૦ વર્ષ પણ જતાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લામાં આજે જન જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાંકરદા ખાતે પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં સભાસદોની નોંધણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરો ગામોમાં લોકા પાસે જઇ સરકારની નિષ્ફળતા અંગે જાગૃતિ લાવશે.

(9:19 pm IST)