Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભારતમાંથી મૂડીરોકાણની અપેક્ષા વ્યક્ત કરતા કેન્યન હાઈકમિશનર: કેન્યા અજોડ તકો અને બજાર ઉપલ્બ્ધી

કેન્યાના હાઈકમિશનર વીલી બેટે કેન્યામાં વેપાર, મૂડીરોકાણ અને ટુરિઝમ અંગેની એક ચર્ચા બેઠકને અમદાવાદમાં સંબોધન કર્યું

અમદાવાદઃ  કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે કેન્યાને આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાવતાં કહ્યું કે  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપ્યુ છે.
ગુરૂવારે અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે  કહ્યું કે “ કેન્યાએ આફ્રિકાનુ અને ખાસ કરીને પૂર્વ અને મધ્ય આફ્રિકાનુ  પ્રવેશદ્વાર છે. કેન્યા એક પ્રાદેશિક  આર્થિક મથક છે અને ત્યાં બિઝનેસ માટે યોગ્ય વાતાવરણ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. કેન્યા પૂર્વ આફ્રિકન સમુદાય અને આફ્રિકા ખંડ સાથે ફ્રી ટ્રેડ એરિયા ધરાવે છે અને  માત્ર કેન્યા જ નહી પણ આફ્રિકાનાં બજારો સાથે સરળ સંપર્ક ઉપલબ્ધ  થાય છે.”
હાઈકમિશનરે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા અને યુરોપ સાથે કેન્યાના પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ છે, કેન્યામાં હાજરી ધરાવતા ઉત્પાદકોને વ્યાપક તકો પૂરી પાડવામાં આવે  છે. તેમણે કહ્યું કે કેન્યા બિઝનેસ કેન્દ્રિત બનવા તરફ ધ્યાન આપી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં અમારૂ ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ (બિઝનેસ કરવામાં આસાની માટેનુ) રેંકીંગ 170 હતુ તે વર્ષ 2019માં 56 સુધી પહોંચાડ્યુ છે. અમે આ રેંકીંગ સુધારવા  માટે વધુ પ્રયાસ કરી રહયા છીએ. કેન્યાની નવી સરકાર  બીજી કોઈ બાબતોની  નહી પણ માત્ર બિઝનેસ અંગે જ  વાત કરે છે.કેન્યામાં રોકાણકારો માટે જે પ્રકારનો અભિગમ, ધ્યાન,તક અને વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે તેવુ અન્ય કોઈ સ્થળે જોવા નહી મળે.કેન્યામાં મૂડીરોકાણ  કરવાનો સમય આવી પહોંચ્યો છે.
ભારત અને કેન્યા મજબૂત વ્યાપારી સંબંધો ધરાવે છે. ગયા વર્ષે આ બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 2.2 અબજ ડોલરની નીકટ પહોંચ્યો હતો. ભારતમાંથી કેન્યામાં 2.1અબજ ડોલરની નિકાસ થઈ હતી અને ભારત આફ્રિકન દેશોનુ બીજા નંબરનુ સૌથી મોટુ નિકાસકાર બન્યુ  છે. 95 મિલિયન ડોલરની નિકાસ સાથે  ભારત કેન્યાનુ 18માં નંબરનુ સૌથી મોટુ  નિકાસ મથક છે.
કેન્યામાંથી ભારતમાં થઈ રહેલી મુખ્ય નિકાસમાં કઠોળ, ચા અને કોર્બોનેટસનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાંથી જે ચીજો મંગાવવામાં આવે છે તેમાં ઔષધો, પેટ્રોલિયમ ઓઈલ્સ, સેમી ફિનિશ્ડ  આયર્ન અથવા નોન- એલોય સ્ટીલ, મોટરસાયકલ્સ અને ગુડઝ વેહિકલ્સનો  સમાવેશ થાય છે. કેન્યામાં મોટો ભારતીય સમુદાય વસે છે, જેમાંના અનેક લોકો ગુજરાતી અને પંજાબી છે. આ સમુદાય  કેન્યાના અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યો છે. કેન્યાએ પૂર્વ આફ્રિકાનુ પ્રવેશ દ્વાર છે અને વ્યુહાત્મક રીતે નિકાસ માટે  ખૂબ જ મહત્વનુ મથક બની રહે  છે અને બંને દેશના લોકો વચ્ચે ઘનિષ્ટ સંબંધો છે.
  આ અગાઉ આ સમારંભને સંબોધન કરતાં  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) ના પ્રેસીડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું હતું કે “ જ્યારે આફ્રિકાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે  ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના દિમાગમાં સૌપ્રથમ કેન્યાનો વિચાર આવે છે. કેન્યા વ્યાપક આર્થિક વિકાસ તરફ આગળ ધપી રહ્યુ છે. તે પૂર્વ આફ્રિકાનુ પ્રવેશદ્વાર છે અને નિકાસ માટે ખૂબ જ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. અમે કેન્યામાં મૂડીરોકાણ કરી ચૂકયા છીએ. તે  મૂડીરોકાણ માટેનુ શ્રેષ્ઠ મથક છે.
નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (કેસીસીઆઈ)ના પ્રેસીડેન્ટ ભરત પટેલે જણાવ્યુ કે “કેન્યા બિઝનેસ માટેનુ ઉત્તમ વાતાવરણ અને તકો ઓફર કરે  છે. મને વિશ્વાસ છે  કે ત્યાં વ્યાપાર માટેની તકો  નવા ઉંચા સ્તરે પહોંચવા  સજજ છે.
આ સમારંભમાં  અમદાવાદના વેપાર-ઉદ્યોગના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. આ સમારંભને જીસીસીઆઈ, કેસીસીઆઈ, લઘુ ઉદ્યોગભારતી અને મોરબી સિરામિક મેન્યુ ફેકચરર્સ એસોસિએશનનો  વ્યાપક સહયોગ પ્રાપ્ત થયો હતો.

(10:12 pm IST)