Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

બે કોથળા ભરીને ચિલ્લર લઇને ભર્યું નામાંકન

ગાંધીનગરનો અનોખો અપક્ષ ઉમેદવાર : ઉમેદવારી પત્ર ભરવા મહેન્‍દ્રભાઇ ડિપોઝીટ પેટે બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્‍યા હતાઃ જેના કારણે કુતુહલ સર્જાયું

અમદાવાદ, તા.૧૮: રાજ્‍યમાં ચૂંટણીનાં માહોલ વચ્‍ચે અનેક રસપ્રદ કિસ્‍સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્‍સો ગાંધીનગરનો છે. જેમાં અપક્ષ ઉમેદવાર મહેન્‍દ્રભાઈ સોમાભાઈ પટ્ટણી બે કોથળો ભરીને સિક્કા લઇને પોતાનું નામાંકન ભરવા પહોંચ્‍યા હતા. ઉમેદવારી પત્ર ભરવા મહેન્‍દ્રભાઇ ડિપોઝીટ પેટે બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્‍યા હતા. જેના કારણે કુતુહલ સર્જાયું હતું. અધિકારીઓ પણ બે કોથળા ભરેલા ચિલ્લર જોઈને મુંઝાઈ ગયા હતા.

આ અંગે મીડિયાએ જ્‍યારે તેમના માતા સાથે વાત કરી તો તેમણે જણાવ્‍યુ કે, મારા દીકરાને ચૂંટણી લડવી હતી. જેથી અડોશ પડોશમાંથી છેલ્લા બે મહિનાથી પૈસા ઉઘરાવતો હતો. દીકરાનો ઉત્‍સાહ જોઇને તમામે બે-પાંચ રુપિયા આપ્‍યા હતા. આ રીતે તેણે આશરે પંદરેક હજાર રુપિયા ભેગા કર્યા હતા. મારા દીકરાને ચૂંટણી લડવી ગમે છે.

૧ અને ૫ ડિસેમ્‍બરના રોજ મતદાનઃ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્‍બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્‍બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્‍બરે નોટિફિકેશન જાહેર થશે. જ્‍યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્‍બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્‍બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. ૧૭ નવેમ્‍બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્‍બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ૧૭ નવેમ્‍બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્‍યારે ૧૮ નવેમ્‍બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્‍યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્‍યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્‍યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર મતદારોનો પણ સમાવેશ છે.

૨૦૧૭ના ચૂંટણી પરિણામ પર એક નજરઃ ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્‍બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્‍બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્‍બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.

(10:23 am IST)