Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

૨૦૧૭ની ચૂંટણીમાં ૧૭ સીટો પર જોવા મળ્‍યો હતો રોમાંચક જંગઃ ૨ હજાર કરતા ઓછા મતે નક્કી થઈ હતી હાર-જીત

દરેક ચૂંટણીમાં ૧ મતની કિંમત પણ બહુમૂલ્‍ય હોય છેઃ ક્‍યારેક એક મત ઉમેદવારની હાર-જીત નક્કી કરતો હોય છે

નવી દિલ્‍હી,તા. ૧૮ : ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્‍બરે થશે. તો બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્‍બરે થવાનું છે. જયારે ૮ ડિસેમ્‍બરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એટલે કે આ વખતે ત્રણેય પાર્ટીઓ વચ્‍ચે રોમાંચક જંગ રહેવાની સંભાવના છે.

દરેક ચૂંટણીમાં ૧ મતની કિંમત પણ ખુબ વધુ હોય છે. ક્‍યારેક એક મત ઉમેદવારની હાર-જીત નક્કી કરતો હોય છે. ગુજરાતમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૯ અને કોંગ્રેસે ૭૭ સીટો જીતી હતી. આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર રોમાંચક ટક્કર જોવા મળી હતી. જયાં ખુબ ઓછા મતે હાર-જીતનો નિર્ણય થયો હતો.

ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૭ બેઠક એવી હતી જયાં બે હજાર કરતા ઓછા મતે ઉમેદવારની હાર-જીતનો નિર્ણય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીનો કપરાડા બેઠક પર સૌથી ઓછા એટલે કે માત્ર ૧૭૦ મતે વિજય થયો હતો. તો ગોધરાની સીટ પર ભાજપના સીકે રાઉલજીએ ૨૫૮ મતે જીત મેળવી હતી. ૧૦૦૦ કરતા ઓછા મતે ઉમેદવારની જીત થઈ હોય તેવી ૭ બેઠકો હતી. તો ત્રણ બેઠકો એવી હતી જેમાં હાર-જીતનું અંતર ૧૫૦૦ કરતા ઓછું હતું. જયારે ૭ બેઠક પર હાર-જીતનું અંતર ૨૦૦૦ જેટલું હતું.

(10:41 am IST)