Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરતના ઉધનાની શ્રીજી હોસ્‍પિટલમાં ગર્ભપાત બાદ ડોક્‍ટરોની બેદરકારીથી તરૂણીનું મોતઃ પોલીસે ત્રણ ડોક્‍ટરો સામે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી

ગર્ભવતી થયેલી તરૂણીનું મોત થતા સ્‍મશાને ડેથ સર્ટીફિકેટ માંગતા તમામ મામલો પ્રકાશમાં આવ્‍યો

સુરતઃ સુરતમાં તરૂણીના ગર્ભપાત કરતી સમયે મોત થતા પોલીસે ત્રણ ડોક્‍ટરો સામે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં ફરી એકવાર શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો છે. કોઈક યુવક સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી થયેલી તરૂણીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તરૂણીનો ગર્ભપાત કરાવનારા તેના બહેન-બનેવી, ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ત્રણ તબીબોએ બેદરકારી દાખવી છે. આ ઘટનામાં ગર્ભપાત બાદ ઘરે પહોંચતા તરૂણી ઢળી પડ્યા બાદ હોસ્પિટલે મૃત જાહેર કરી હતી. તરૂણીના મોતમાં ત્રણ-ત્રણ તબીબોની ગુનાહિત બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં ખૂલ્યું છે કે તરૂણીને સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ નિયમ મુજબ પોલીસને જાણ કરાઈ ન હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન જીઆઈડીસીમાં રહેતી 16 વર્ષીય તરૂણી તેના પરિવારમાં કોઈની ત્યાં રહેતી હતી. તે દરમ્યાન ઘરે રહેતી તરૂણીને કોઈક યુવક સાથે પ્રેમજાળમાં ફસાઈ હતી અને તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તરૂણી ગર્ભવતી બની હતી. બે મહિનાથી માસીક ન આવતા તરૂણીએ પહેલા મેડીકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી હતી. જોકે તેમ છતા ગર્ભપાત ન થતા તેણે ઘરમાં વાત કરી હતી. જેથી પરિવારજનો ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં આવ્યા હતા.

ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં તરૂણીનો ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી. ઘરે પહોંચ્યા બાદ તરૂણીને અચાનક ચક્કર આવતા ઢળી પડી હતી, ત્યારબાદ ફરી પરિવારજનો સંજીવની હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ બજાવતા ડોક્ટરે તરૂણીને મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું. જો કે, સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી તરૂણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી.

પોલીસની પૂછપરછમાં સમગ્ર મામલો બાહર આવ્યો હતો. પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ડો.હિરેન પટેલ, ગર્ભપાત માટે લઈ જનારા પરિવારના સભ્યો તેમજ પ્રેમજાળમાં ફસાવી તરૂણીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા યુવક સહિતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)