Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભરૂચની ઝઘડિયા બેઠક ઉપર હવે પિતા-પુત્ર વચ્‍ચે ચૂંટણી જંગ નહીં જામેઃ પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામેનું ફોર્મ પાછુ ખેંચી લીધુ

છોટુ વસાવા સતત 7 વખતથી ઝઘડિયા બેઠક ઉપરથી ચૂંટાયા હતા

ભરૂચઃ ભરૂચની ઝઘડિયા બેઠક પર બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા અને મહેશ વસાવા આમને સામને આવી ગયા હતા. પિતા-પુત્રની લડાઇમાં પુત્ર મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હવે પિતા-પુત્ર વચ્‍ચે ચૂંટણી જંગ જામશે નહીં.

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ સહિત ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. બીજા તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ટિકિટોની વહેંચણી બાદ રાજકીય પાર્ટીઓમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે હવે દરેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. આ વચ્ચે ભરૂચની ઝઘડિયા સીટ પર પિતા-પુત્રનો વિવાદનો પણ અંત આવી ગયો છે.

પિતા-પુત્રના વિવાદનો સુખદ અંત

ગુજરાતમાં ઝઘડિયા વિધાનસભા સીટ પર બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા અને મહેશ વસાવા આમને-સામને આવી ગયા હતા. બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી તો તેમના પિતા છોટુ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે પુત્ર મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ છે. એટલે કે હવે ચૂંટણીના મેદાનમાં પિતા-પુત્રની લડાઈનો સુખદ અંત આવી ગયો છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા સીટ આવી હતી ચર્ચામાં

રાજ્યમાં આદિવાસી મત વિસ્તારની ઝઘડિયા સીટ ખુબ ચર્ચામાં આવી હતી. અહીં પિતા અને પુત્ર બંને ફોર્મ ભરીને આમને-સામને આવી ગયા હતા. પુત્ર મહેશ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) માંથી ઉમેદવારી નોંધાવી હતી, તો પિતા છોટુ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ હવે પુત્રએ ફોર્મ પાછુ ખેંચતા ઝઘડિયા સીટ પરથી છોટુ વસાવા ઉમેદવાર છે.

છેલ્લા સાત ટર્મથી છોટુ વસાવા ધારાસભ્ય

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 વખતથી ઝઘડિયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. આ બેઠક પર તેમની વર્ષોથી મજબૂત પકડ છે. ભાજપ કે કોંગ્રેસ પણ તેમને આ બેઠક પર હરાવી શક્યા નથી.

(5:24 pm IST)