Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર મળી પણ મેં ના પાડીઃ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના નિવેદનથી ખળભળાટ

ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે અને 2017માં જે સીટો ખુટી તે ન ખુટે તે માટે પ્રયત્‍ન કરીશ

ગાંધીનગરઃ મને પેટલાદ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઓફર મળી હતી પરંતુ મેં ઓફર સ્‍વીકારી ન હતી તેમ આણંદના આંકલાવમાં કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા રાજકીય ચર્ચાઓ જાગી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદનું આ નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ આ નિવેદન આપ્યું છે.

આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનું કીધું હતું પણ મેં ના પાડી. જેથી આખા ગુજરાતમાં ફરીને ગઈ વખતે જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તે માટે પ્રયાસ કરીશ. ગુજરાતમાં કૉંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ.

આણંદના આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર હતી. પરંતુ મેં સામેથી પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો. આખા ગુજરાતમાં હવે કોંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ. 2017માં જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તેવો પ્રયાસ કરીશ.

અગાઉ એવી ચર્ચા ચાલી હતી કે કોંગ્રેસની દિગ્જ્જોને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

(5:25 pm IST)