Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગાંધીનગર:ઓનલાઇન છેતરપિંડીની ઘટનામાં થયો વધારો:એન્જીનીયરને બિલ ભરવાનો મેસેજ મોકલી ભેજાબાજે 18.89 લાખ ટ્રાંસફર કરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સેક્ટર-૩માં રહેતા હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી એન્જીનીયરને વીજ બીલ ભરવાનો મેસેજ મોકલીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેબીટ કાર્ડના ફોટા અપલોડ કરાવીને ગઠિયાઓ ૧૮.૮૯ લાખ રૃપિયાની માતબર રકમ સેરવી લીધી હતી. આ ઘટના સંદર્ભે તેમણે સાઇબર ક્રાઇમ સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ઓનલાઈન માધ્યમોથી હાલ નાણાકીય વ્યવહાર સરળતાથી થઈ રહ્યો છે પરંતુ ગઠિયાઓ તેના કારણે મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવવામાં પણ સફળ થઈ રહ્યા છે. અવનવી લીંકો મોકલીને તેમના ખાતામાંથી રૃપિયા પડાવી રહ્યા છે. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં આ પ્રકારની સંખ્યાબંધ ઘટનાઓ બની હોવા છતાં આરોપીઓ પોલીસ પકડમાં આવતા નથી. ત્યારે અગાઉ કોબા ગામના વૃધ્ધા અને સુઘડમાં રહેતી વૃધ્ધાને વીજબીલ ભરવાના બહાને મેસેજ મોકલીને રૃપિયા સેરવી લેવામાં આવ્યા હતા.

આ વખતે શહેરમાં સેક્ટર-૩એ પ્લોટ નં. ૧૨૬૩-૧માં રહેતા અને હાઇવે ઓથોરિટીમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હિતેષકુમાર દિનેશભાઇ પટેલને છતરવામાં આવ્યા હતા. તેઓ તેમની નોકરી ઉપર હતા તે દરમ્યાન વીજળી બીલ ભરવાનો મેસેજ આવ્યો હતો અને ત્યાર  બાદ સાંજના સમયે ગઠિયાએ ફોન કરીને બીલ અપડેટ થયું નથી તેમ કહીંને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. તેમના ડેબીટકાર્ડના ફોટા પણ અપલોડ કરાવ્યા હતા. જોત જોતામાં તેમના ખાતામાંથી ૧૮.૮૯ લાખ રૃપિયાની માતબર રકમ કપાઇ ગઇ હતી જેના પગલે તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો અને તેમણે આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરી હતી. 

(6:15 pm IST)