Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નડિયાદ-કપડવંજ રોડ પર નાયબ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા ક્લર્કની 1500ની લાંચ લેવાના ગુનાહમાં ધરપકડ

નડિયાદ : નડિયાદ કપડવંજ રોડ પર આવેલ નાયબ માહિતી નિયામકની કચેરીમાં રજીસ્ટ્રી શાળામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક રૂ.૧૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ સંદર્ભે નડિયાદ એ.સી.બી કચેરીએ લાંચીયા ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ માહિતી નિયામકની કચેરી ખાતે હિસાબી શાળામાં ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક તરીકે કિરણકુમાર હસમુખભાઈ શર્મા ફરજ બજાવતો હતો. એક  નાગરિક તથા તેમના પત્ની સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જનજાગૃતિના કાર્યક્રમો ગામડાઓમાં લોક ડાયરો કરવાના ઓર્ડર નડિયાદ માહિતી ખાતાની કચેરી દ્વારા મળ્યો હતો. જેના એક કાર્યક્રમના પુરસ્કાર દીઠ રૂ. ૪ હજાર જેટલું મહેનતાણું ઓર્ડરમાં દર્શાવવામાં આવ્યું હતું. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માટે મળેલ બે ઓર્ડર કર્યા હતા. જેના બિલના નાણાં કુલ રૂ. ૮ હજાર થતા હતા. જે બિલ ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક કિરણ શર્માને આવતા તેણે રૂ. ૩ હજારની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ. ૨૫૦૦ લાંચ પેટે લેવાનું નક્કી થયું હતું. જે સંદર્ભે કિરણ શર્માએ રૂ. એક હજાર લાંચ પેટે અગાઉ લીધા હતા અને બાકીના લાંચના નાણા રૂ. ૧,૫૦૦ તેઓની કચેરી ખાતે આપવા જણાવ્યું હતું. પરંતુ જાગૃત નાગરિક લાંચની રકમ આપવા માંગતા ન હોય નડિયાદ એ.સી.બી કચેરીનો સંપર્ક કરતા એ.સી.બી પીઆઇ જે.આઈ.પટેલે ગુરુવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમિયાન કિરણ શર્મા નાગરિક પાસેથી રૂ. ૧,૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ એ.સી.બી કચેરીના અધિકારીએ જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કિરણશર્મા વિરુદ્ધ લાંચ-રુશ્વતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)