Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની વધશે મુશ્કેલી :ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચ ખફા : સુઓમોટો લીધો

 ચૂંટણી પંચે વડોદરા કલેકટર પાસે સમગ્ર બાબતે રિપોર્ટ માગ્યો

વડોદરાના વાઘોડીયા બેઠક પરના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની વધશે મુશ્કેલી. મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાની ખુલ્લી ધમકી પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મધુ શ્રીવાસ્તવના ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લીધો છે. અને ચૂંટણી પંચે વડોદરા કલેકટર પાસે સમગ્ર બાબતે રિપોર્ટ માગ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અપક્ષ ઉમેદવારી કરવા જતી વેળાએ મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, તમે કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું હું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે, આ કરીશ, એ કરીશ તો હું છું, તમારે ડરવાની જરૂર નથી. આ નિવેદન આપ્યા બાદથી રાજકારણ ગરમાયું હતું અને વિવાદ વકર્યો હતો. જે બાદ આજે વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે આ મામલે માહિતી આપી હતી.

વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાથી ઉમેદવારી કરી છે. તેમના ચૂંટણી રેલી સંદર્ભે તેમને જે ઉચ્ચારણો કર્યા એ અંતર્ગત અત્રે થી એક અહેવાલ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) કચેરીએ માંગેલ હતો. જે એક ઈન્ટરીમ રપોર્ટ અત્રેથી મોકલવામાં આવ્યો છે. અને તે અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માંગવામાં આવશે ભારતના ચૂંટણી પંચ કે સીઈઓ તરફથી તો તે અત્રેથી મોકલવામાં આવશે.

આ મામલે મધુ શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે અપક્ષ લડતા હોય એટલે બધા જ પાર્ટીના લોકો હેરાન કરતાં જ હોય છે. અને કરતાં જ આવ્યા છે. જ્યારે રૂલિંગ પાર્ટીના લોકોની પણ તપાસ કરતાં હોય તો આપણી પણ હોય જ. સુપ્રિમ સુધી લડાવે, જે પણ કંઈ કેસ કરવું હોય કરે, ઈન્ક્મ ટેક્સ મોકલવું હોય, ઈડીને મોકલવું હોય, જેને પણ મોકલીને હેરાન કરવું હોય એ કરી લો. આતો મધુભાઈ શ્રીવાસ્તવ મર્દ છે ને મર્દ જ રહેશે. વર્ષોથી મધુ શ્રીવાસ્તવ આજ છે. સાચુ કામ કર્યું છે, જીવનમાં એક રૂપાયનો ભ્રષ્ટાચાર નથી કર્યો, કોઈ મા-બેનની છેડતી નથી કરી. લોકોના દુઃખ-સુખનો ભાગીદાર બન્યો છું. યુવાનોને એટલું જ કહીઁશ કે હું શું બોલ્યો છુ એ તપાસ કરો પછી બોલો. ચૂંટણી પંચે મને કોઈ નોટિસ નથી આપી. અને કોઈ ફરિયાદ થઈ નથી. ખોટુ ઉપજાવી ને આ કરી રહ્યા છે. જે ન કરવું જોઈએ. જો કોઈ નોટીસ આપશે તો હું જવાબ આપી દઈશ.

ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે ચૂંટણીમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવના સ્થાને જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેને પગલે નારાજગી રાખીને મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી ને ગઈ કાલે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

(8:31 pm IST)