Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

યુએસના વિઝાના નામે યુવક સાથે ૧૫ લાખની છેતરપિંડી

શખ્સે પોતાની ઓળખ અધિકારી તરીકે આપી હતી : ૧૮,૦૦૦ રૃપિયા એપ્લિકેશન ફી, ૩.૪૦ લાખ રૃપિયા હોટેલ બુકિંગના અને ૧.૮ લાખ રૃપિયા ફ્લાઈટના પડાવ્યા

અમદાવાદ, તા.૧૮ : વસ્ત્રાલમાં રહેતા ૩૮ વર્ષીય વ્યક્તિ પાંચ શખ્સો સામે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ યુએસના વિઝા અપાવવાના નામે તેમની સાથે ઠગાઈ કરી હતી. એક શખ્સે તો પોતાની ઓળખ યુએસ એમ્બસીના અધિકારી તરીકે આપી હતી. બુધવારે રવિન્દ્ર પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક ફાર્મા કંપની માટે કામ કરે છે અને યુએસમાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે. જેથી તેમણે ઈન્ટરનેટ પર થોડી શોધખોળ કરી હતી અને ઓક્ટોબર ૨૦૨૦માં એક પેજ મળ્યું હતું જે કથિત રીતે મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ જનરલનું હતું. બાદમાં આશિષ પટેલ નામના એક શખ્સનો ફોન આવ્યો હતો અને તેમણે પોતાની ઓળખ અમેરિકન એમ્બસીના અધિકારી તરીકે આપી હતી, તેમ રવિન્દ્ર પટેલે ફરિયાદમાં જણાવ્યું છે. આશિષે રવિન્દ્ર પટેલને જણાવ્યું કે, તેઓ વિઝિટર વિઝા આપીને ટૂરનું આયોજન કરે છે. તેમણે રવિન્દ્રને પોતાના આસિસ્ટન્ટ વિરલ શાહનો નંબર આપ્યો હતો. જેથી વિરલ શાહ વિઝાની પ્રક્રિયા સમજાવીને કામ આગળ વધારી શકે. રવિન્દ્ર પટેલે વિરલ શાહને ફોન કર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે વિઝા તેમજ અમેરિકાની ટૂરનો ખર્ચ ૧૫ લાખ રૃપિયા થશે. તેમને કહેવામાં આવ્યું હતું કે, ૧૫ લાખ રૃપિયામાંથી ૧૮,૦૦૦ રૃપિયા એપ્લિકેશન ફી, ૩.૪૦ લાખ રૃપિયા હોટેલ બુકિંગના અને ૧.૮ લાખ રૃપિયા ફ્લાઈટ બુકિંગમાં વપરાશે. તેણે કહ્યું હતું કે, બાકીની રકમ બોન્ડ તરીકે તેઓ જમા રાખતા અને ટૂર પૂરી થયા પછી પરત આપશે.

રવિન્દ્ર પટેલે રકમ ચેકથી આપવાનું કહ્યું હતું પરંતુ વિરલે કહ્યું કે, તેઓ સરકારી કર્મચારીઓ હોવાથી સ્વીકારી નહીં શકે. જે બાદ ફરિયાદીએ પીએમ એન્ટરપ્રાઈઝને ૧૪.૯૭ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. ઓક્ટોબર ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૦ વચ્ચે બાપુનગરમાં આવેલી એક આંગડિયા પેઢી થકી તેમણે આ રકમ ચૂકવી હતી. જે બાદ રવિન્દ્રને પોતાના ડૉક્યુમેન્ટ્સ લઈને મુંબઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૦માં તે મુંબઈ ગયો હતો અને આશિષે તેને મુંબઈમાં વિઝા ઓફિસની બહાર મળવા બોલાવ્યો હતો.

જે બાદ તેમણે રવિન્દ્ર પટેલને કહ્યું હતું કે, તેમની મીટિંગ નિર્ધારિત કરી છે અને તેમના ડૉક્યુમેન્ટ્સ લઈ લીધા હતા. તેમણે વચન આપ્યું હતું કે, તેઓ વિઝા માટે રવિન્દ્ર પટેલને ફોન કરશે. બાદમાં જ્યારે રવિન્દ્ર પટેલે આશિષને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તે યુએસમાં છે અને જ્યારે એમ્બસી માટે કામ કરી રહ્યો હોય ત્યારે દરેક ક્લાયન્ટ સાથે વ્યક્તિગત રીતે વાત ના કરી શકે. જ્યારે રવિન્દ્રએ વિરલને ફોન કર્યો ત્યારે તેણે ઠાલાં વચનો આપ્યા અને પછી તેનો ફોન બંધ આવવા લાગ્યો. જેથી રવિન્દ્રએ સાયબર ક્રાઈમ પોલીસ પાસે આશિષ પટેલ અને તેના કથિત સાગરિતો વિરલ શાહ, ડેવિડ ફર્નાન્ડિઝ, ભાવિક શાહ અને સુરેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

(7:07 pm IST)