Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ખેડાની સભામાં પુરૂષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસને ઝાટકી નાખી : કહ્યું- તમારા પીએમની સમસ્યાનો ઉકેલ અમારા વડાપ્રધાને કર્યો

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું - દિલ્હીથી રૂપિયો મોકલે તો અહિંયા ગામમાં આવતા સુધી કોઈ હાથ ન અડાવી શકે.

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષોના દિગ્ગજ અને કેન્દ્રિય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. એક બાદ એક રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવવામાં આવી રહી છે. તેવામાં ગઈ કાલે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમભાઈ  રૂપાલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે વડોદરા અને ખેડા જિલ્લામાં જનસભાઓને સંબોધન કર્યું હતું. ત્યારે ખેડા જિલ્લામાં જનસભાને સંબોધતા પુરૂષોત્તમભાઈ  રૂપાલાએ કોંગ્રેસને આડેહાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ પર તંજ કસતા કહ્યું કે, તમારા વડાપ્રધાનની સમસ્યાનો ઉકેલ અમારા વડાપ્રધાને કરી દીધો.

મંચ પરથી જનસભાને સંબોધતા કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમભાઈ  રૂપાલાએ કહ્યું કે, પૂછો અહિંયા બેઠેલા આપણા ખેડૂતોને તમારા ખાતામાં અમારા 6 હજાર આવે છે? કોઈ ના જ ન કહીં શકે. આખા દેશમાં કોઈ ના ન પાડે. પણ તમારી માહિતી માટે એક આંકડો આપવો છે. ભારત સરકાર તરીકે કોંગ્રેસના 10 વર્ષના યુપીએના શાસનમાં કૃષી વિભાગનું બજેટ 10 વર્ષનું 1 લાખને 17 હજાર કરોડ રૂપિયા હતું. વપરાયા, ક્યાં વપરાયા કેવી રીતે વપરાયા તેમાં મારે અત્યારે નથી પડવું. એ પછી બીજી કોઈ સભામાં આવીશ તે દિવસ. પણ આપણે માની લઈએ કે તેમને ખર્ચ્યા હશે. તો 10 વર્ષમાં કેટલા 1 લાખને 17 હજાર કરોડ રૂપિયા. અને ત્યારે તો કૃષિ વિભાગમાં બધુ ભેગુ હતુ, હેવ તો હું આ વિભાગનો મંત્રી છું.

તેમણે વધુમાં કહ્યું કે, જે આ 6 હજાર રૂપિયા લેખેની સહાય અમે આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આ લોકો અમારી એવી ટીકા કરતાં હતા કે 6 હજાર રૂપિયામાં શું થાય? આવી મામુલી રકમ આપીને ખેડૂતોની મસ્કરી કરે છે? અલ્યા તમે કોઈ દી જન્મીને યાદવ કુળમાં સવા રૂપિયો પણ ઠાકોરજીના ફાળામાં નથી લખાવ્યો. એ લોકો ટીકા કરો છો. 6 હજાર રૂપિયા શું કામ આપો છો. આ 6 હજાર રૂપિયા લેખે અમે ખેડૂતોના ખાતામાં જે પૈસા મોકલ્યા એના આઠ વર્ષનો સરવાળો 2 લાખ કરોડ રૂપિયા છે. 10 વર્ષના કોંગ્રેસના બજેટ કરતા ડબલ રકમ અમે ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે. બજેટ તો અલગ વાત છે. બજેટનો વિષય અત્યારે નથી મુકવો. ભારત સરકારનું કૃષિ વિભાગનું આ વર્ષનું બજેટ 1 લાખને 30 હજાર કરોડ રૂપિયા છે. વડીલોને પૂછજો કોઈ દિવસ "આપણે સપનું આવ્યું હતું કે દેશમાં કોઈ એવી સરકાર બને કે જે ત્યાં બટન દબાવે ને આપણા ખાતામાં પૈસા આવે?" આવું તો કોઈ દિવસ સપનું પણ નહતું આવતું.

 

કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમભાઈ  રૂપાલાએ કહ્યું કે, અમારા એક કાર્યક્રમમાં પીએમ મોદી પધાર્યા હતા. કૃષિ વિભાગના કાર્યક્રમમાં હું મંત્રી તરીકે મંચ પર તેમની સાથે હતો. પીએમ મોદીએ અમારા સચિવના કહેવાથી એક બટન દબાવ્યું અને અમે મંચ પરથી હજી નિચે ન હતા ઉતર્યા, ત્યાં મારી સાથે જે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ખેડૂતો હતા તેમના મેસેજ આવવાના શરૂ થયા કે "અમારા અકાઉન્ટમાં પૈસા આવી ગયા છે"

ભારત સરકારના એક મંત્રી અને વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ એવું કિધુ હતું કે, હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું ગામમાં આવતા આવતા 15 પૈસા થઈ જતા હતા. ત્યાંથી નિકળેલો રૂપિયો અહિંયા પહોંચે ત્યાં સુધી 15 પૈસા થઈ જાય. તો એ એક રૂપિયાનું કામ કરાવતા કેટલો ટાઈમ જાય. પાછા બિજે વર્ષે 15 પૈસા આવે. આમ સાત વર્ષ સુધી મોકલે તો 1 રૂપિયાનું કામ થાય. ત્યાં આ એક રૂપિયાનું બજેટ દોઢ રૂપિયો થઈ ગયું હોય. સાત વર્ષે એટલો ફેરફાર થાય જ. એટલે કામ કોઈ દિવસ થાય જ નહીં. આ વેદના હતી તે સમયના વડાપ્રધાનની. હું તો કોંગ્રેસના આગેવાનોને નમ્રતા પૂર્વક એક સૂચન કરૂ છું. કે તમારા વડાપ્રધાનની આ સમસ્યા હતી તેનો ઉકેલ અમારા વડાપ્રધાને કરી દીધો. દિલ્હીથી રૂપિયો મોકલે તો અહિંયા ગામમાં આવતા સુધી કોઈ હાથ ન અડાવી શકે. રામાપીરના પ્રસાદની જેમ આવે. .

(8:56 pm IST)