Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પીએમ મોદીના આગમનને પગલે વલસાડ સર્કિટ હાઉસમાં કલરકામ ડામર રસ્તા ફર્નિચર સહિતની તાબડતોડ કામગીરી

 બાગનું કામ ઉગી નીકળેલા ઝાડો કાપવાનું, ટોયલેટ બાથરૂમ રીપેરીંગ કામ સહિતના અન્ય કામો કરવા માટે 50થી વધુ મજૂરોને કાને લગાવી દીધા

વલસાડ :વડાપ્રધાન  મોદી કાલે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વલસાડમાં પાર્ટીનો પ્રચાર કરવા માટે આવશે. વલસાડમાં વડાપ્રધાનની રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આવતી કાલે વલસાડના જુજવા ગામે આવેલા મેદાનમાં જાહેર સભા સંબોધવાના છે. જેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વલસાડમાં જુજુવા ગામે જાહેર સભા કર્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરવાના છે. જેને પગલે તંત્ર દ્વારા તાબડતોબ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વલસાડ સર્કિટ હાઉસમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિલ્હીથી આવેલી ટીમ અધિકારીઓને હાજરીમાં ડામર રસ્તા, કલર કામ, સફાઈ કામ, ફર્નિચર કામ, બાગનું કામ ઉગી નીકળેલા ઝાડો કાપવાનું, ટોયલેટ બાથરૂમ રીપેરીંગ કામ સહિતના અન્ય કામો કરવા માટે 50થી વધુ મજૂરોને કાને લગાવી દીધા છે. આ સાથે સર્કિટ હાઉસની ફરતેની કમ્પાઉન્ડ દિવાલ સાથે 10 ફૂટ જેટલી ઊંચી પ્લાસ્ટિકની નેટ પણ બાંધવામાં આવી રહી છે. તેમજ સર્કિટ હાઉસમાં વડાપ્રધાન આવવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બે ત્રણ દિવસ સુધી કેન્ટીનો બંધ કરી દેવામાં આવી છે. સર્કિટ હાઉસના રૂમો સુંદર બનાવી તેની સાથે લાઈટ માટે મોટા જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા અગાઉ જ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે વડાપ્રધાન મોદીની જાહેર સભા થઈ હતી. ત્યારે ફરી એક વાર વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

(9:21 pm IST)