Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મહિલા મતદારે ભાજપના કર્યા વખાણ:ક્હ્યું- દરિયામાં જેટલું પાણી તેટલું આ સરકાર જીવે :હર્ષ સંઘવીએ શેર કર્યો વિડિઓ

મહિલા મતદાર કહે છે સરકાર જેટલું આપે તેટલું પોતાનો પતિ પણ નથી આપતો. મહિનો થાય એટલે 1200 રૂપિયા આવે તો અમારા શાકભાજીના પૈસા તો નીકળે

અમદાવાદ :  વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે કામે લાગી ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા જુદી-જુદી રીતે મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી સફળ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીને લઈ એક મહિલા મતદારે કંઈક એવું કહ્યું કે, તમને પણ નવાઈ લાગી જશે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા અવનવી તકનીક અજમાવવામાં આવી રહી છે. એટલું જ નહિ દેશના વડાપ્રધાન પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા લોકો સમક્ષ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન મોદીની સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, સીઆરપાટીલ સહિત મુખ્યમંત્રી પણ પોતાની પાર્ટીના પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. લોકોનો વિશ્વાસ જીતવા અલગ-અલગ જગ્યાએ સભા સંબોધન કરી રહ્યા છે. જો કે, લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અપાર વિશ્વાસ પહેલાથી રહેલો જોવા મળે છે. જેને લાગતો વળગતો એક મહિલા મતદારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

   મળતી માહિતી પ્રમાણે,ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા મતદાર ભારતીય જનતા પાર્ટી વિશે વાત કરી રહી છે. મહિલા મતદાર દ્વારા કહેવામાં આવે છે કે,સરકાર જેટલું આપે તેટલું પોતાનો પતિ પણ નથી આપતો. મહિનો થાય એટલે 1200 રૂપિયા આવે તો અમારા શાકભાજીના પૈસા તો નીકળે...હું તો કઉં નરેન્દ્ર મોદીનું ભગવાન ભલું કરે. જેટલું દરિયામાં પાણી હોય તેટલું આ સરકાર જીવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ખરાખરીની જંગ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ભાજપને માત આપવા આમ આદમી પાર્ટી પણ બરાબરની ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

.

(9:25 pm IST)