Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરતમાં યોગી આદિત્યનાથના આગમન પહેલા કાર્યકરોએ ખતરનાક રીતે ચૂંટણી પ્રચાર કર્યો : બુલડોઝર પર નીકળ્યા

કાર્યકરો JCB મશીનના આગળના પાવડા પર ચઢી ચૂંટણી પ્રચાર કર્યો

સુરત :વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીને લઈને ગરમાવો વધ્યો છે, રાજકીય પક્ષોએ તેમના પ્રચાર માટે કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ સુરતમા ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલીને ખતરનાક રીતે પ્રચાર કરતા જોવા મળ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર 'બુલડોઝર બાબા' યોગી આદિત્યનાથના આગમન પહેલા 8 થી 10 કાર્યકરો JCB મશીનના આગળના પાવડા પર ચઢી ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા.

વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ તેમના કાર્યકરો પણ સમાજમાં પોતાના રાજકીય પક્ષ અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. આવા સમયે કાર્યકરો રાજકીય પક્ષની આડમાં કેટલાક નિયમો તોડી રહ્યા છે અને જોખમી સ્ટંટ કરતા હોય તેમ પ્રચાર પણ કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીને લઇ આજે ભાજપના 10 સ્ટાર પ્રચારકો સુરતમા ચૂંટણી સભા ગજવશે .જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ સુરત આવી રહ્યા હોઈ. જેમના. આગમન પહેલા ભાજપના કાર્યકરો બુલડોઝર પર પ્રચાર કરવા નીકળ્યા હતા. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોનો આવા ખતરનાક સ્ટંટ સાથે પ્રચાર કરતા જોવા મળ્યા છે. ચોર્યાસી ઉમેદવાર સંદીપ દેસાઈના પ્રચાર માટે ભાજપના કાર્યકરોને બુલડોઝર પર બેસાડવામાં આવ્યા હતા. ઝુંબેશની સાથે જોખમી સ્ટંટ કરતા હોય તેમ આઠથી દસ કાર્યકરો બલડોઝરના પાવડા પર પ્રચાર કરી રહ્યા હતા.

(9:31 pm IST)