Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો વચ્ચે મુકાબલો

મોરબી બેઠક પર 17 ઉમેદવારો હોવાથી 2 બેલેટ યુનિટ સુરતના લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 3 બેલેટ યુનિટનો ઉપયોગ થશે

ગાંધીનગર :મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ  પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે  ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાને છે.અને બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા છે. 21 નવેમ્બર સુધી બીજા તબક્કાના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકે છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચે પણ કમરકસી છે.

તમામ ઈલેક્ટ્રોલ બુથ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવા તૈયારી શરૂ કરી છે. મોરબી બેઠક પર 17 ઉમેદવારો હોવાથી 2 બેલેટ યુનિટ રખાશે,સુરતના લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 3 બેલેટ યુનિટનો ઉપયોગ થશે. સાથે જ મતદાન બુથમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન લઈ જવા દેવામાં નહી આવે. તો સાથે જ દિવ્યાંગ અને વરિષ્ઠ વયના મતદારો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

(12:34 am IST)