Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુજરાતમાં કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

રાત્રિ કર્ફયુથી માંડી વર્ક ફ્રોમ હોમ સુધીના સરકાર લઇ શકે છે મહત્વના નિર્ણયો

અમદાવાદ તા. ૧૯ : ગુજરાતમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રોજ નોંધાતા કેસોની સંખ્યા વધીને ૧૭ હજાર સુધી પહોંચી છે. સરકારી અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે તે જોતાં રાજય સરકાર કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં  વર્ક ફ્રોમ હોમ અમલમાં લાવે તેવી શકયતા છે.

આ વખતે કોરોના રોકેટગતિએ વધી રહ્યો છે. ગુજરાતમાં મંગળવારે પહેલી વાર એક દિવસમાં ૧૭ હજાર કેસો નોંધાયા છે. વધતાં કેસોને પગલે રોજેરોજ કોર કમિટીની બેઠક મળી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સૂત્રોના મતે, ગુજરાતમાં હજુય કોરોનાનાં કેસો વધે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રાજયમાં કલેકટર કચેરીથી માંડીને સચિવાલયના વિવિધ વિભાગોના અધિકારી- કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.

આ જોતાં આગામી દિવસોમાં સરકારી કચેરીઓમાં ૫૦-૫૦ ટકા રોટેશન સાથે વર્ક ફ્રોમ હોમના નિયમો લાગુ કરાશે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ અમલમાં આવે તેમ છે.

કોરોના ગુજરાતમાં પંજો પ્રસરાવી રહ્યો છે ત્યારે રાજય સરકાર વધુ કડક નિયંત્રણ લાદવાના મતમાં છે. ૨૨મી રાત્રિ કરફયુની મુદત  પૂર્ણ થઇ રહી છે ત્યારે રાત્રિ કરફયુના સમયમાં ફેરફાર થઇ શકે છે.

ટૂંકમાં રાત્રિ કર્ફયુ ૯થી સવારનાં ૬ વાગ્યા સુધી થાય તેવી શકયતા જોવાઇ રહી છે.  કોરોનાને લીધે ધંધા રોજગાર પર અસર ન પડે તે માટે પણ સરકાર ચિંતાતુર છે પરિણામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનુ પાલન થાય તે માટે પોલીસ પણ સક્રિય થઇ છે.

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજયમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭ હજાર ૧૧૯ નવા કેસ નોંધાયા છે. રાજયમાં પ્રતિ મિનિટે ૧૨ વ્યકિત કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યકિતના કોરોનાથી મૃત્યુ થયા છે. જે ગત વર્ષે ૯ જૂન બાદ રાજયમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. એકિટવ કેસનો આંક ૭૯ હજાર ૬૦૦ થયો છે. જયારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન કુલ ૧૭ હજાર એકિટવ કેસ માંડ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે માત્ર એક જ દિવસમાં ૧૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ૩૫ ટકાનો ઉછાળો થયો છે. કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી એક વાર રાજયમાં 'હોટ સ્પોટ' બની ગયું છે. અમદાવાદ શહેરમાં ૫ હજાર ૯૯૮-ગ્રામ્યમાં ૮૦ સાથે ૬૦૭૮ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દૈનિક કેસે પ્રથમવાર ૬ હજારની સપાટી વટાવી છે.  ૧૦ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે.

(10:12 am IST)