Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

“VOTE FOR A BETTER INDIA” ની થીમ પરની ચિત્ર સ્પર્ધામાં ધો-૧૦ અને ૧૨ ના ૨૫૫૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી માટે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતા જાગૃત્તિ અભિયાન હેઠળ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને “VOTE FOR A BETTER INDIA” ની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી, જેમાં જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ ના કુલ-૨૫૫૬ જેટલાં બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે દેડીયાપાડા તાલુકાની એ.એન. બારોટ વિદ્યાલયના વિદ્યાર્થી  દિવ્યરાજ  હર્ષદભાઇ વસાવા, દ્વિતીય ક્રમે ગાજરગોટા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થી જ્યેશ અરવિંદભાઇ વસાવા અને તૃત્તિય ક્રમે રાજપીપળા સરકારી હાઇસ્કૂલ ના વિદ્યાર્થી મિત્તલ પરેશભાઇ પંચાલ વિજેતા બન્યાં હતાં.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અન્વયે જિલ્લાની ૧૩૦ શાળાના ધો-૧૦ અને ધો.૧૨નાં ૫૧૨૫ વિદ્યાર્થીઓ અને ૬૨૯ જેટલાં શિક્ષકો અને NSS પ્રોજેક્ટની ૧૪ શાળાઓ પૈકી ૬૫૦ વિદ્યાર્થી દ્વારા પણ આપણા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવવાની સાથે દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય અચૂક  મતદાન માટેના સામૂહિક શપથ લઇને જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં મહત્તમ મતદાનનો પ્રેરક સંદેશો પ્રસરાવ્યો છે.

(10:24 pm IST)