Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સુરતમાં પિતાને જીતાડવા પુત્ર મેદાનમાં

૧૨ વર્ષના વિવાન ઉનડકટનું ભાષણ સાંભળીને ભલભલા નેતાઓ અચંબામાં પડી ગયા

રાજકોટ,તા. ૧૯: સુરતના વોર્ડ નંબર ૨૧ પ્રચારને લઈને ચર્ચામાં આવ્યો છે. વોર્ડ નંબર ૨૧માં પ્રચારની કમાન બાર વર્ષના વિવાન ઉનડકટે સંભાળી છે. વિવાનને જોવા માટે, તેની પ્રચારની શૈલીને જોવા માટે મોટી સંખ્યામાં મતદારો એકત્રિત થઇ રહ્યા છે. વિવાન ભારતીય જનતા માટે તો પ્રચાર કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તેના પિતા વ્રજેશ ઉનડકટ માટે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર ૨૧ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.

વિવાન ઉનડકટ જયારે પોતે પ્રચાર કરતો હોય છે ત્યારે તેની વાકછટા જોઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંબામાં પડી જાય છે. આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે એનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે. કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જોઈએ એ અંગે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે.

વિવાને આજે સમગ્ર સુરત શહેરની અંદર સૌકોઈમાં કુતૂહલ જગાવ્યું છે. વિવાનની લોકપ્રિયતા એટલી વધી રહી છે કે વોર્ડ નંબર ૨૧માંથી અન્ય વોર્ડના ઉમેદવારો પણ તેને પોતાના પ્રચાર કરવા માટે બોલાવી રહ્યા છે. તે એક સમજદાર નાગરિક તરીકે પોતાની વાત મતદારો સુધી પહોંચાડી રહ્યો છે. સ્વાભાવિક છે કે બાળક જયારે આ પ્રકારે પોતાની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી નાખે ત્યારે જે-તે રાજકીય પક્ષ માટે તેનો લાભ મળવો શકય છે.

વિવાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ફેન

વિવાન પોતે માને છે કે નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી જો વહીવટ કરવામાં આવે તો શહેરનો વિકાસ અને દેશનો વિકાસ ચોક્કસ થશે જ. વિવાન માને છે કે તે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. નરેન્દ્ર મોદીની નેતૃત્વ શકિતમાં તેને અપાર શ્રદ્ઘા છે અને તેના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાથી તેને ભાજપનો પ્રચાર કરવામાં વધુ રસ પડી રહ્યો છે.

ચૂંટણીપ્રચાર પહેલાં પણ વિવાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે. દેશના અલગ-અલગ જવલંત મુદ્દા પર તે પોતાની પ્રતિક્રિયાઓ ફેસબુક પર તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતો હોય છે. બાળપણથી જ વિવાન પોતાની ભાષાશૈલીને કારણે સૌકોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સ્ટાર પ્રચારક તરીકેની  છબીં ઊભરી

વિવાન છેલ્લા દ્યણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે. કયારેક તેના પિતા સાથે ગ્રુપ મીટિંગમાં હાજર હોય છે તો કોઈક વખતે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતે જ ગ્રુપ મીટિંગમાં પહોંચીને તેમની સમગ્ર પેનલની તરફેણમાં મતદારોને મત આપવા માટે અપીલ કરવા પહોંચી જાય છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વિવાનને જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. તેની સ્ટાર પ્રચારક તરીકેની છબિ સુરત શહેરમાં ઊભરી છે.

વોર્ડ નંબર ૨૧ માં ભાજપના ઉમેદવાર વ્રજેશ ઉનડકટ અને તેમની પેનલ માટે તેમનો ૧૨ વર્ષીગ પુત્ર કરી રહ્યો છે. આ વિસ્તારોમાં હિન્દીભાષી લોકોનો વસવાટ હોવાથી છઠ્ઠા ધોરણમાં ભણતો વિવાન ઉનડકટ પ્રજાની સમસ્યા દૂર કરવા પિતા વતી વચન આપી રહ્યો છે. માત્ર બાર વર્ષનો છોકરો પિતા માટે પ્રચાર કર્યો છે તે લોકો માટે વધુ અનુકુળ બની રહ્યુ છે અને તેને સાંભળવા ધીમે ધીમે લોકો ભેગા થઇ રહ્યા છે.

(12:47 pm IST)