Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચૂંટણી ટાંકણે જ ડુંગળીના ભાવો ફરી ગૃહિણીઓને રડાવે છેઃ ૧ કિલોના ભાવ વધીને ૫૦થી ૬૦ રૂ.

અન્ય રાજ્યોમાંથી મોટાપાયે ખરીદી થતા મણે ૬૦થી ૧૨૦ રૂ. અને કિલોએ ૪ થી ૭ રૂ.નો ભાવ વધારોઃ હજુ પણ ભાવો વધે તેવી શકયતા

રાજકોટ, તા. ૧૯ :. ચૂંટણી ટાંકણે જ સામાન્ય વર્ગથી ઉચ્ચ વર્ગના લોકોના રસોડામાં વપરાતી ડુંગળીના ભાવો ફરી ગૃહિણીઓને રડાવી રહ્યા છે. છેલ્લા બે દિ'માં ડુંગળીના ભાવોમાં કિલોએ ૪ થી ૭ રૂ. અને મણે ૬૦થી ૧૨૦ રૂ.નો ભાવ વધારો થતા ગૃહિણીઓમાં સીસકારો બોલી ગયો છે.

આજે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ૮૦ હજાર મણની આવક હતી અને લાલ ડુંગળી એક મણના ભાવ ૬૨૦ થી ૭૪૦ રૂ. બોલાયા હતા. હોલસેલમાં ડુંગળી એક કિલોના ભાવ ૩૨ થી ૩૭ રૂ. થઈ ગયા છે. જ્યારે છૂટકમાં ડુંગળી એક કિલો ૫૦થી ૬૦ રૂ. કિલો વેચાઈ રહી છે. બે દિ' પહેલા ડુંગળી એક મણ (૨૦ કિલો)ના ભાવ ૫૨૦થી ૬૪૦ રૂ. હતા જ્યારે ડુંગળી એક કિલો હોલસેલના ભાવ ૨૮ થી ૩૨ રૂ. હતા અને છૂટકમાં ૪૫થી ૫૦ રૂ. હતા. સફેદ ડુંગળી એક મણના ભાવ વધીને ૨૮થી ૩૨ રૂ. થઈ ગયા છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ પરપ્રાંતમાંથી ખરીદી નીકળતા ડુંગળીના ભાવો વધી રહ્યા છે. ગુજરાતમાં લોકલ ખરીદી ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામીલનાડુ તથા યુપીમાંના વેપારીઓ ગુજરાતમાંથી મોટાપાયે ડુંગળીની ખરીદી કરી રહ્યા હોય ડુંગળીના ભાવમાં ભડકો થયો છે.

એક તબક્કે ડુંગળીના ભાવો ઘટીને ૩૦ થી ૪૦ રૂ. થયા બાદ ક્રમશઃ ભાવ વધારો થયો છે અને છેલ્લા બે દિ'થી પરપ્રાંતમાંથી ડુંગળીની મોટાપાયે ખરીદી થતા ડુંગળીના ભાવો વધી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ડુંગળીના ભાવો વધે તો નવાઈ નહિ તેમ વેપારી સૂત્રોએ જણાવ્યુ હતું. ચૂંટણી ટાંકણે જ ડુંગળીના ભાવો સળગતા ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

(2:42 pm IST)