Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બાળકોને સાયકલ ચલાવવા જેવી બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામી ફરિયાદ

વડોદરા: શહેરના કિશનવાડી વિસ્તારમાં ઘર પાસે સાયકલ ચલાવતા નાના બાળકોની સાયકલ અથડાતા તેમના પરિવાર વચ્ચે મારામારી થઇ  હતી.જે અંગે બંને પક્ષે વારસિયા  પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

વારસિયા વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનો  પતિ નોકરી પર ગયો હતો.અને તેમના સાસુ પણ કામ પર ગયા હતા.મહિલા તેના બે સંતાનો સાથે ઘરે હતી.તેની નાની બાળકી વિસ્તારમાં સાયકલ ચલાવતી હતી.તે સમયે આ જ વિસ્તારમાં રહેતા પરિવારનો નાનો બાળક પણ સાયકલ ચલાવતો હતો.બંનેની સાયકલ અથડાતા બાળકીને પગમાં ઇજા પહોંચી હતી.જેથી,બાળકીની માતા સાયકલ અથાડનાર  બાળકના ઘરે કહેવા ગઇ હતી. તે સમયે બાળકના મામા ધર્મેશ કનુભાઇ માછીએ બાળકીની માતા સાથે ઝઘડો કર્યો હતો.તે દરમિયાન,વુડાના મકાનમાં રહેતા આકાશ નામનો હુમલાખોર  પણ આવી ગયો હતો.અને તેને સગર્ભા મહિલાને  પેટમાં લાતો મારી હતી.તેમજ મહિલાના કપડા પણ ફાડી નાંખ્યા હતા.જેથી,મહિલા ઘરમાં દોડી ગઇ  હતી.અને પોતાના પતિને ફોન કરીને બોલાવ્યો  હતો.મહિલાનો પતિ આવી જતા આરોપીઓ એ મહિલાના  પતિ તથા દિયેરને પણ માર માર્યો હતો.જે અંગે મહિલાએ આકાશ,સીતાબેન માછી,ગીતાબેન માછી તથા ધર્મેશ માછી વિરૃદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:05 pm IST)