Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પિતાના લાખ સમજાવ્યા છતાં પુત્રી FB ફ્રેન્ડ સાથે નાસી ગઈ

સોશિયલ મીડિયાના વધતા વ્યાપના ચેતવણીરૂપ કિસ્સો : કલોલની છોકરી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હતી, પિતાએ લગ્ન કરાવવા ના પાડતા યુવક ભગાડી ગયો

ગાંધીનગર, તા. ૧૯ : ક્યારેક બાળકોને મા-બાપ કરતાં સોશિયલ મીડિયાના મિત્રો વધારે સારા લાગતા હોય છે, અને આ જ ચક્કરમાં ક્યારેક તેઓ ના કરવાનું પણ કરી બેસતા હોય છે. કંઈક આવું જ થયું છે ગાંધીનગર જિલ્લાના કલોલ ટાઉનમાં, જ્યાં એક પિતાએ સમજાવ્યા છતાંય છોકરી પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે ભાગી ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

કલોલના બત્રીસ ક્વાર્ટર પાસે રહેતા એક પરિવારની છોકરી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હતી. આખો દિવસ મોબાઈલને જ ચોંટી રહેતી છોકરીને ફેસબુક પર એક છોકરા સાથે દોસ્તી થઈ ગઈ હતી, અને આ દોસ્તી વધુ ગાઢ બનતા બંનેએ એકબીજાના નંબર પણ એક્સચેન્જ કર્યા હતા, અને ફોન પર વાતો પણ કરવા લાગ્યા હતા.

ત્રણેક મહિના પહેલા છોકરીના ફોન પર એક કોલ આવ્યો હતો, જે તેના પિતાએ ઉપાડ્યો હતો. કોલ કરનારા શખ્સે જણાવ્યું હતું કે તેને છોકરી સાથે પ્રેમસંબંધ છે, અને બંને લગ્ન કરવા માગે છે. છોકરીના પિતાએ ફોન કરનારાને ધમકાવતા તેણે એવી ધમકી આપી હતી કે મોકો મળતા જ તે છોકરીને ભગાડી જશે.

જોકે, આ વાતને છોકરીના પિતાએ ખાસ ગંભીરતાથી નહોતી લીધી. તેમણે દીકરીને સમજાવી હતી કે આપણા સમાજમાં આવું બંધું ના શોભે અને તેને આ છોકરાને ભૂલી જવા પણ સલાહ આપી હતી. છોકરીએ પણ તે વખતે પિતાની વાત માની લેતા પરિવારજનોએ એમ માની લીધું હતું કે હવે આ મામલો સમાપ્ત થઈ ગયો છે. જોકે, છોકરી અને તેના ફેસબુક પ્રેમીના મગજમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.

બે મહિના બાદ આખરે ૦૧ ફેબ્રુઆરીના અંતે છોકરી ઘરેથી બપોરના સમયે હમણા આવું છું તેમ કહીને બહાર ગઈ હતી. છોકરી રાત સુધી ઘરે ના આવતા તેના પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતા. આડોશ-પાડોશ ઉપરાંત, છોકરીની બહેનપણીઓ અને સંબંધીઓને ત્યાં પણ તપાસ કર્યા બાદ તેનો પત્તો ના લાગતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું. છોકરીના પિતાએ પોતાની દીકરીના ગુમ થવા પાછળ રાજકોટનો તુષાર નામનો શખ્સ જવાબદાર છે તેવા આક્ષેપ સાથે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. છોકરી સગીર હોવાથી પોલીસે ત્વરિત કામગીરી કરીને આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે આગળની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે.

(7:37 pm IST)