Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

શામળાજી હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકતા ભાંડો ફૂટ્યો : દારૂની 10 પેટીઓ મળી

એસપી ઓફિસ પાછળથી જ દારૂની ખેપ થતી હોવાનો પર્દાફાશ

મોડાસા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલમછેલ સામે આવી છે. અરવલ્લીના શામળાજી હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ખાડામાં પડ્યા બાદ એસપી ઓફિસ પાછળથી જ દારૂની ખેપ થતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે

   અરવલ્લી પોલીસે દારૂ ભરેલુ આઇસર પકડ્યુ હતું, જેને મોડાસામાં એસપી ઓફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યુ હતું. જોકે, આઇસરમાંથી દારૂની કેટલીક પેટીઓ એસેન્ટ કારમાં નાખીને શામળાજી તરફ લઇ જવામાં આવતી હતી. આ મામલે જાગૃત નાગરિકને જાણ થતા કારનો પીછો કર્યો હતો. કાર ચાલકને પોતાની કારનો પીછો થતો હોવાની જાણ થતા તેને પોતાની કાર ભગાવી હતી. આ દરમિયાન શામળાજી હાઇવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઇવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે કાર ખાડામાં ખાબકી હતી

પકડાઇ જવાના ડરથી કારમાં સવાર બે લોકો ત્યાથી કાર મુકીને ભાગી ગયા હતા. આ અંગે જાગૃત નાગરીકે સ્થાનિક પોલીસ, એસપી ઓફિસ સહિતના અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કારની ડેકીમાં અને પાછળની સીટમાં દારૂની આશરે 10 પેટીઓ મળી હતી. અરવલ્લી એસપી સંજય ખરાતે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા

(8:31 pm IST)