Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

એકતાનગર સ્થિત ઇલેક્ટ્રિક રિક્ષાના ચાર્જિંગ સ્ટેન્ડ પર મોડી રાત્રે આગ લાગી : આગનનો સતત ત્રીજો બનાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ઇલેક્ટ્રીક રીક્ષા ચાર્જ કરવાના સ્ટેન્ડ ઉપર મોડી રાત્રે અચાનક આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રીક રીક્ષા ની સેવા છેલ્લા ઘણા સમયથી ચાલુ કરવામાં આવી છે. પરંતુ આ ઈલેક્ટ્રીક રીક્ષાઓના ચાર્જીંગ સ્ટેન્ડ પર આગ લાગવાનો સતત ત્રીજો બનાવ બન્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ અગ્નિમાં ત્રણ રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.અને ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આ ઈલેક્ટ્રીક રીક્ષા ચાર્જ કરવાના સ્ટેન્ડ પર વહીવટી તંત્ર દ્વારા એક ડઝન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જો સીસીટીવી કેમેરા ના ફૂટેજ ચકાસવામાં આવે તો ઘણું તથ્ય બહાર આવે તેમ છે.

મહત્વની બાબત એ છે કે કેવડિયા એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમની સામે લાખો રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે હાલમાં પણ ધૂળ ખાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તેને ક્યારે ચાલુ કરાશે તેની કેવડિયાના નાગરિકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે .જો આ ફાયર સ્ટેશન કાર્યરત હોત તો રીક્ષાઓ બચી ગઈ હોત

(11:20 pm IST)