Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : જિલ્લા કલેકટરો સાથે વિડિઓ કોન્ફ્રન્સિંગ યોજી

અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની વિગતો મેળવી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી.

ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે મેળવી હતી.તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.
  ભુપેન્દ્રભાઈ ૫ટેલે એમ ૫ણ જણાવ્યુ કે કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરઓ કરી લે. એટલુ જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી.
કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરઓને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવએ જણાવ્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
  મુખ્યમંત્રીએ યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અઘિક મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવઓ અને રાહત કમિશ્નર ૫ણ ઉ૫સ્થિત રહયા હતા.

(4:56 pm IST)