Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનાથાળનો પ્રસાદ ભક્તોની પહેલી પસંદ બન્યો: ચીકીનું વેચાણ ફિક્કું

અંબાજીમાં એક જ દિવસમાં મોહનથાળના 14,595 પેકેટનું વેચાણ થયુ જ્યારે ચીક્કીના 1,619 પેકેટનું વેચાણ જ થયુ

અમદાવાદ ;રાજ્યના શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદીને લઈને વિવાદ વકરતા ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો છે. મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ થતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ અંબાજીમાં મોહનાથાળનો પ્રસાદ જ ભક્તોની પહેલી પસંદ બન્યો છે.કારણ કે 10 દિવસ મોહનથાળનો પ્રસાદ બંધ કર્યા બાદ ફરી ચાલુ કરતાં વેચાણમાં ભારે વધારો થયો છે જ્યારે ચિક્કીનું વેચાણ ઘટ્યુ છે.

મળતી માહિતી મુજબ ભારે વિવાદ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરતા મોહનથાળના કાઉન્ટર ઉપર મોટી સંખ્યામાં લાઈનો લાગી છે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આવતાની સાથે જ ચિક્કીનું વેચાણ ઘટ્યું છે. અંબાજીમાં એક જ દિવસમાં મોહનથાળના 14,595 પેકેટનું વેચાણ થયુ છે જ્યારે ચીક્કીના 1,619 પેકેટનું વેચાણ જ થયુ હતુ એટલે કે આજે ભક્તોના જીભે મોહનથાળનો સ્વાદ અટકેલો છે.

 

આ વેચાણ જોઇને કહી શકાય કે આજે પણ માઇ ભક્તોની પહેલી પ્રસાદ પસંદ મોહનથાળ જ છે.અને ચિક્કીની જગ્યાએ મોહનથાળને પ્રાથમિકતા આપી રહ્યા છે.જ્યારે સરકાર પ્રેરીત ચિક્કીનો પ્રસાદ ભક્તો માટે બીજી પસંદ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી પ્રસાદ સ્વરૂપે મોહનથાળ આપવામાં આવતો હતો.જ્યારે હાલમાં સરકાર દ્વારા પ્રસાદમાં મોહનથાળની જગ્યાએ ચિક્કી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે ભારે વિવાદ થયો હતો અને મામલો સરકાર સુધી પહોંચતા એક બેઠક યોજાઇ હતી જેમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા પર નિર્ણય લેવાયો હતો.

   
(5:26 pm IST)