Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

આવારા અને બેજવાબદાર પતિના અસહ્ય ત્રાસથી વ્યથિત ડીંડોલીની પરિણીતાની વ્હારે પહોંચી 181 અભયમ ટીમ

અભયમે કાયદાનું ભાન કરાવી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરતા પતિને ભૂલ સમજાઈ

સુરત :મહિલાઓને સંકટમાંથી ઉગારતી 181 અભયમે ફરી એકવાર આવારા અને બેજવાબદાર પતિના અસહ્ય ત્રાસથી વ્યથિત ડીંડોલીની પરિણીતાની વ્હારે આવી અમાનવીય બનેલા પતિને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પરિણીતા સુજાતાબેન( નામ બદલ્યું છે)એ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી આપવિતી વર્ણવી પતિ દ્વારા અવારનવાર આપવામાં આવતા અસહ્ય શારિરીક-માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા વિંનતી કરી હતી.

કતારગામની અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચીને મહિલાને આશ્વાસન આપ્યું હતું. સુજાતાએ જણાવ્યું કે, તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે. બે સંતાન છે. પતિ એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે, પણ આળસ રાખી નિયમિત કામ પર જતા નથી. જેથી સાસુ-સસરા અને જેઠ ઘરખર્ચ ઉપાડે છે. પતિ મારા સાસુ-સસરા પાસેથી કામ પર જવા માટે ખિસ્સાખર્ચ અને ભાડાના પૈસા લઈ ઘરેથી નીકળે છે, પણ કામ પર જવાને બદલે રખડતા ફરે છે. માતા-પિતા જ્યારે કામ પર નીકળી જાય ત્યારે ઘરે આવી વધુ નાણાની માંગણી કરી મારપીટ શરૂ કરે છે. આખરે દરરોજનો અસહ્ય ત્રાસ સહન ન થતા સુજાતાએ અભયમની મદદ માંગી હતી.

અભયમ ટીમને ઘરે આવેલી જોઈ રાક્ષસી વૃત્તિ ધરાવતા પતિના તેવર નરમ પડ્યા હતા. અભયમે કાયદાનું ભાન કરાવી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરતા માફ કરવા માટે પીડિતાનો પતિ કાકલુદી કરવા લાગ્યો અને હવે પછી પત્નીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરે એવી બાહેંધરી આપી હતી. સુજાતાએ પણ નાનકડી બાળકીના ભવિષ્યને ધ્યાને લઈ પતિને સુધરવાની એક તક આપી હતી અને આગળની કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું.

(5:40 pm IST)