Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

૬૦,૦૦૦ વૃક્ષો તુટયાઃ ૭૦,૦૦૦ થાંભલા પડી ગયા

વાવાઝોડાએ ગુજરાતમાં ૧૯ લોકોનો ભોગ લીધો

અસંખ્ય પશુધન પણ સાફઃ ૨૦૦ થી વધુ રસ્તાને નુકશાનઃ આંબાના બગીચા વેરાન બની ગયા

નવી દિલ્હી, તા.૧૯: કોરોના કહેર વચ્ચે વાવાઝોડાએ આખા ગુજરાતને દ્યમરોળી નાંખ્યું અને જયાં ત્યાં વિનાશના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે.

બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જયારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્ત્િ।નું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે ૧૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જયારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં ૬૦ હજારથી વધારે વૃક્ષો તથા ૭૦ હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. ૧૬ હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. ૨૦૦થી વધારે રોડને નુકસાન થયું જયારે ૨૦૦થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની ઝડપ તો દ્યટી ગઈ હતી પરંતુ અમદાવાદમાં પણ વાવાઝોડું આફત બનીને આવ્યું. સમગ્ર રાજયમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. કયાંક ધોધમાર તો કયાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

કેસર કેરીનું સૌથી મોટું સરનામું એટલે ગીર. ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરીએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં નામના મેળવી છે. અહીંથી મોટા પાયે કેસર કેરી એકસપોર્ટ થાય છે પરંતું તૌકતેએ અહીં એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે. એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

તૌકતે વાવાઝોડાનું રાજયમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને ૧૨૦ કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.

તૌકતેની અસર અમદાવાદમાં પણ જોવા મળી. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે અમદાવાદ આવ્યું હતું. જો કે તેની ઝડપ ઓછી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ હોડિંગ્સ તુટી પડ્યા હતા. કયાંક પતરા ઉડ્યા હતા તો વૃક્ષો પણ ધરાશાયી થવાને કારણે રોડ બ્લોક થયો હતો.

(10:17 am IST)