Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાતને આવકારીને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો

ભારત સરકાર ઉપરાંત રાજય સરકાર પણ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડ ની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાતને આવકારીને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જયારે ગુજરાતને જરૂરિયાત ઊભી થઈ ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓ માં પડખે ઊભા રહ્યા છે.
મુખ્યમંત્રીવિજય ભાઈ રૂપાણી એ આ વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રીએ ગુજરાતને કરેલી આ સહાય  વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે .
મુખ્યમંત્રીવિજય ભાઈ રૂપાણી એ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડા ને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકો ના વારસદારો ને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખ ની સહાય ઉપરાંત અપાશે.
આમ રાજ્યમાં વાવાઝોડા થી મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના વારસદારો ને કુલ 6 લાખ ની સહાય મળશે
મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકો ને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે.
આ સહાય પણ પ્રધાન મંત્રીએ  જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તો ને કુલ 1 લાખ ની સહાય અપાશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠક માં રાજ્યમાં તાઉતે વાવાઝોડા ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ ની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારો માં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન  ઊર્જા સહિતના વિભાગોના સચિવો ને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

(7:14 pm IST)